CJIએ નકારી પ્રશાંત ભૂષણની અરજી, આજે પરત મોકલાશે 7 રોહિંગ્યા

નવી દિલ્હી- ભારતમાં ગેરકાયદે વસવાટ કરી રહેલા રોહિંગ્યા મુસલમાનોને પરત તેમના દેશ મ્યાનમાર મોકલવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજે સાત રાહિંગ્યાને પરત મોકલવામાં આવી શકે છે. રેહિંગ્યાને પરત મોકલવાના વિરોધમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં વાંધા અરજી કરી હતી. જેને કોર્ટે નકારી કાઢી છે. જેથી હવે આ સાત રોહિંગ્યા નાગરિકોને આજે જ પરત મોકલવામાં આવશે.રોહિંગ્યા શરણાર્થીઓને તેમના દેશમાં પરત મોકલવાનો મુદ્દો ગત કેટલાક સમયથી ભારતના રાજકારણના કેન્દ્રમાં રહ્યો છે. આ વિવાદ વચ્ચે ભારત સરકાર આજે પ્રથમ વખત ગેરકાયદે રીતે ભારતમાં રહેતા રોહિંગ્યાઓને તેમના દેશ મ્યાનમાર પરત મોકલી રહી છે. જેના પ્રથમ જથ્થામાં સાત રોહિંગ્યાને મોકલવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચ કરી રહી છે. ભારતના વિદેશ વિભાગે એ વાતની સ્પષ્ટતા કરી છે કે, જે સાત રોહિંગ્યાને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે તે મ્યાનમારના જ નાગરિકો છે. અને મ્યનમારે પણ તેની ખરાઈ કરી છે. જોકે, સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, મ્યાનમારે હજી સુધી આ તમામ નાગરિક તેના હોવાનું સમર્થન નથી કર્યું. જોકે, સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની આ દલીલ નકારી કાઢી હતી.