16 સરકારી કચેરી બહાર ટ્રાફિક ડ્રાઈવ, ઘર્ષણના અનેક બનાવ સામે આવ્યાં

અમદાવાદઃ ટ્રાફિક પોલીસે 16 સરકારી કચેરીમાં ડ્રાઇવ યોજી 664 કર્મચારીને મેમો ફટકારી 71 હજારનો દંડ વસૂલ્યો હતો અને 6 વાહન ડિટેઇન કર્યા હતા. જ્યારે ઈસરોની બહાર ઘર્ષણમાં ઉતરનારા વાહનચાલકને ટ્રાફિક પોલીસે ફટકાર્યો હતો. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ઇનકમટેક્સ, સોલા સિવિલ, ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનલ ઓફિસ, જિલ્લા પંચાયત, ભદ્ર ખાતે બેંક ઓફ ઇન્ડિયા, ઇસરો તથા પાલડી બસ સ્ટેન્ડ પાસે મ્યુનિ. ઓફિસ સહિતની 16 કચેરીઓ પર ડ્રાઇવ યોજાઈ હતી. બીજી તરફ ગોતા, માનસી સર્કલ, સુભાષબ્રિજ, શિવરંજની પાસે પણ રોંગ સાઈડ જતા 257 વાહનચાલકને મેમો અપાયા હતા, જ્યારે 18 વાહન ડિટેઈન કરાયા હતા.

જીવરાજ પાર્ક ચાર રસ્તાથી વેજલપુર વોર્ડ ઓફિસ સુધીના ટીપી રોડનો અમલ કરીને ગેરકાયદે 176 દબાણ દૂર કરીને 1 હજાર ચોમી જગ્યા ખુલ્લી કરી છે. જેના લીધે ટ્રાફિક અને પાર્કિંગ માટે સરળતા રહેશે. ઉત્તર ઝોનમાં કુબેરગનગરમાં શામળદાસની ચાલી ઈ-113ની સામે ઈ- વોર્ડ રાજાવીર સર્કલ ખાતે કોમર્શિયલ પ્રકારનું ગેરકાયદે બાંધકામ દૂર કરીને 4,050 ચો. ફુટની જગ્યા ખુલ્લી કરાઈ છે. માધુપુરા વોર્ડમાં જે. કે. માર્કેટના બેઝમેન્ટમાં 9 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 3,034 ચો. ફુટ જગ્યા ખુલ્લી કરાઈ છે.