રાજ્ય સહિત દેશમાં ગરમીએ ત્રાહિમામ પોકાર્યો છે. જ્યાં ગુજરાતમાં સાત વર્ષનો તો દિલ્હીમાં 100 વર્ષ રેકોર્ડ ગરમી તોડ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર મળી રહ્યા છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ માહોલ નોંધવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળમાં ચોમાસું 31 મેથી બેસવાનું હતું. નોંધનીય છે કે આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે પહોંચી ગયું છે. અને હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે ગત રોજ ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યના હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે આગામી 4 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.
હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે. જેના કારણે પૂર્વ વિસ્તારમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું સામાન્ય રીતે 1લી જૂનથી કેરળમાં પ્રવેશ કરતું હોય છે. જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે.