દિલ્હીના મોહલ્લા ક્લિનિકોના કૌભાંડમાં CBI તપાસના આદેશ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દિલ્હીમાં દવા કૌભાંડ મામલે CBI તપાસના આદેશ આપી દીધા છે. મંત્રાલયે LGની ભલામણ પર CBIને FIR નોંધવાના આદેશ આપ્યા છે. દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા મોહલ્લા ક્લિનિકોમાં ઊતરતી દવા આપવાના આરોપ લાગ્યા છે. આ મામલે LG વીકે સકસેનાએ CBIની તપાસ કરવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે આ મામલે CBI તપાસની મંજૂરી આપી દીધી છે.

આ પહેલાં ઉપરાજ્યપાલ વીકે સકસેનાએ ખાનગી લેબોરેટરીઓને લાભ પહોંચાડવા માટે મોહલ્લા ક્લિનિક દ્વારા નકલી તપાસના આરોપો પર CBI તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા. મોહલ્લા ક્લિનિક દિલ્હી સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

ગયા વર્ષે મોહલ્લા ક્લિનિકમાં ડોક્ટર નહોતા આવી રહ્યા, એ પછી પણ તેમને હાજર દેખાડવામાં આવતા હતા. તેમની ગેરહાજરીમાં પણ દર્દીઓની તપાસ ને દવાઓ લખવામાં આવી રહી હતી. આરોપ છે કે ખાનગી લેબની મદદથી મોહલ્લા ક્લિનિકમાં ભૂતિયા દર્દી પર લખો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એની આડમાં ખાનગી લેબને કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. આ મામલે ભાજપે કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે.

આ મુદ્દે ભાજપે કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે મોહલ્લા ક્લિનિકમાં એવા દર્દીઓની સારવાર થઈ કે જેનું કોઈ અસ્તિત્વ જ નહોતું. પહેલાં તો આ સરકાર દારૂનું કૌભાંડ કરી રહી હતી અને હવે દવાનું પણ કૌભાંડ કરી દીધું છે.