ભાજપ સામે લડવા વિરોધપક્ષો સંગઠિત થાયઃ મમતા

મુંબઈઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજી મુંબઈની બે દિવસની મુલાકાતે આવ્યાં છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને દૂર કરવા અને વિપક્ષી એકતા માટે મક્કમ બન્યાં છે. એ માટે તેઓ આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારને મળ્યાં હતાં. બંને નેતાએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિરોધ પક્ષોને સંગઠિત કરવાની વ્યૂહરચનાઓ વિશે ચર્ચા કરી હતી. બાદમાં બંને નેતાએ પત્રકાર પરિષદને સંબોધિત પણ કરી હતી.

બેનરજીએ કહ્યું કે યૂપીએ (કોંગ્રેસની આગેવાની હેઠળનું યૂનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ જૂથ) જેવું હવે કંઈ રહ્યું નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સમાન વિચારસરણી ધરાવતા વિરોધ પક્ષોએ સંગઠિત થવું જ પડશે. પવારે કહ્યું કે, લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરવા અને જનતાનું કલ્યાણ થાય એ જોવા માટે સહિયારા પ્રયાસો અને પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરવાની આવશ્યક્તા વિશે હું અને બેનરજી સહમત થયાં છીએ.

આ પૂર્વે શિવસેનાના નેતાઓ – આદિત્ય ઠાકરે (મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન) અને સંજય રાઉત (સંસદસભ્ય) મમતા બેનરજીને મળવા ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]