દુષ્કર્મ, હત્યા-કેસમાં 14 દિવસમાં ચુકાદોઃ આરોપીને આજીવન કેદ

ગાંધીનગરઃ સાંતેજના ત્રણ વર્ષની બાળકી દુષ્કર્મ કેસમાં પોસ્કો કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી વિજય ઠાકોરને  આજીવન કેદની સજા ફટકારી છે. માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ નોંધી છે તો માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી કોર્ટે સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. ગાંધીનગરના ઇતિહાસમાં આ કેસમાં સૌથી ઝડપી ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ ગણાવ્યો હતો. 

રાંચરડા-સાંતેજ વિસ્તારમાં દિવાળીના પર્વ પર ત્રણ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાંથી ત્રણ વર્ષની બાળકી સાથે સાયકો રેપિસ્ટ વિજય ઠાકોરે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી. ત્રણ વર્ષની બાળકી સાથેના દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે તેને અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. એન. સોલંકીએ આ કેસમાં બુધવારે સજા સંભળાવી છે.

બાળકી પર દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં તેણે આઠ જેટલા ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. તેની ધરપકડના માત્ર આઠ જ દિવસમાં પોલીસે કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 60 વધુ સાક્ષીઓનાં નિવેદનો, સીસીટીવી, કોલ રેકોર્ડ ડિટેલના મહત્વના રિપોર્ટનો સમાવેશ થતો હતો. આ કેસમાં હવે દુષ્કર્મીને ફાંસી માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.