વિમાન સેવા હાલ ફરી શરૂ કરવાનો મહારાષ્ટ્ર, છત્તીસગઢનો ઈનકાર

મુંબઈઃ બે મહિનાના લોકડાઉન બાદ ભારતમાં સ્થાનિક વિમાન સેવા શરૂ થવાની તૈયારીમાં છે. 25 મે, સોમવારથી આની શરૂઆત થવાની છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલી ફ્લાઈટ 25 મેની સવારે 4.30 વાગ્યે રવાના થશે.

પહેલા ચરણમાં 2,800 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે.

પરંતુ, મહારાષ્ટ્ર રાજ્યએ વિમાન સેવા શરૂ કરવાનો ઈનકાર કરી દીધો છે. આને કારણે આ રાજ્યમાંથી વિમાન સફર શરૂ કરવાની ઈચ્છા રાખતા લોકોને આંચકો લાગ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે સ્થાનિક ફ્લાઈટ્સ શરૂ કરવા પર મૂકેલો પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.

આવો જ ઈનકાર છત્તીસગઢ સરકારે પણ કર્યો છે.

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.

મહારાષ્ટ્ર સરકારના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે લોકડાઉન વિશે 19 મેના ઓર્ડરને મહારાષ્ટ્ર સરકારે હજી સુધાર્યો નથી. તે ઓર્ડરમાં માત્ર ચોક્કસ પ્રકારની ફ્લાઈટ્સ ચાલુ કરવાની જ પરવાનગી અપાઈ છે. ઘરેલુ ફ્લાઈટ્સ માટેની નહીં.

તે ઓર્ડરમાં રાજ્ય સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેનું લોકડાઉન 31 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. માત્ર ડોમેસ્ટિક મેડિકલ સેવાઓ, ડોમેસ્ટિક એર એમ્બ્યુલન્સ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂર કરેલા સુરક્ષા હેતુઓ માટે જ વિમાન સેવા મહારાષ્ટ્રમાં ચાલુ કરવા દેવામાં આવી છે. આ સિવાય તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ છે.

સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રીજન (મુંબઈ શહેર ઉપરાંત આસપાસના થાણે, નવી મુંબઈ, મીરારોડ-વિરારની વચ્ચે આવતા વિસ્તારો) તેમજ પુણે અને ઔરંગાબાદને રેડ ઝોન ઘોષિત કરવામાં આવ્યા છે.

ગઈ કાલે, કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સરકાર ઓગસ્ટ પહેલા પર્યાપ્ત પ્રમાણમાં ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ શરૂ કરવા ધારે છે.

દેશવ્યાપી લોકડાઉનને કારણે તમામ શેડ્યૂલ્ડ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ ગઈ 25 માર્ચથી સસ્પેન્ડ છે.

દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસો મહારાષ્ટ્રમાં બન્યા છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધારે કેસો થયા છે અને 1,500થી વધારે લોકોના મૃત્યુ થયા છે. એકલા મુંબઈમાં જ કોરોનાનાં 28,634 દર્દીઓ છે.

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બગેલે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલને લેખિતમાં જણાવ્યું છે કે જે લોકો વિમાન અને રેલવે પ્રવાસ કરવા માગતા હોય એમના વિશેની તમામ વિગતો રાજ્ય સરકારને મળવી જોઈએ એ પછી જ નિર્ણય લેવામાં આવશે.

બગેલનું કહેવું છે કે કડક અને અસરકારક માર્ગદર્શિકા વગર વિમાન સેવા ફરી શરૂ કરવી ન જોઈએ. દેશમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હજી વધી રહી છે તેવા સમયે ડોમેસ્ટિક વિમાન સેવા ફરી શરૂ કરવાથી બીમારીનો નવો ચેપ ફેલાશે તો એને રોકવો સંભવ નહીં બને.

તામિલનાડુ રાજ્યની સરકાર પણ સ્થાનિક ફ્લાઈટ્સ કરવાનો ઈનકાર કરી ચૂકી છે. એનું કહેવું છે કે લોકડાઉન 31 મે સુધી ચાલુ છે ત્યારે તે રાજ્યમાંથી વિમાન સેવા ફરી શરૂ કરવા માગતી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]