નવી દિલ્હીઃ દેશમાં મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભા સહિત અન્ય 15 રાજ્યોની 48 વિધાનસભા સીટોની પેટા ચૂંટણી સહિત લોકસભાની બે સીટો પર પેટા ચૂંટણીનાં પરિણામો આજે આવવાનાં છે. આ 48 સીટો પૈકી ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો પર ભાજપ આગળ છે.
આ સિવાય લોકસભાની વાયનાડ સીટને લઈને ઘણી ઉત્સુકતા છે, જ્યાં પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણી લડી રહ્યાં છે. એ સાથે રાજસ્થાનમાં સાત, પશ્ચિમ બંગાળમાં છ, આસામમાં પાંચ, પંજાબ અને બિહારમાં 4-4 સીટો પર પેટા ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. આ સાથે કર્ણાટક અને કેરળમાં ત્રણ-ત્રણ સીટો પર ચૂંટણી થઈ છે. આ સિવાય ઉત્તરાખંડની કેદારનાથ સીટ પર સૌની નજર છે.
જયારે સમાજવાદી પાર્ટી એક બેઠક પર આગળ છે. આજે મીરાપુર, કુંડારકી, સિસામાઉ, કટેહારી, ફુલપુર, માઝવાન, ગાઝિયાબાદ, કરહાલ અને ખેર- નવ બેઠકોના પરિણામો આજે મતગણતરી સમાપ્ત થયા પછી જાહેર કરવામાં આવશે.
કેરળની વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા જંગી બહુમતીથી આગળ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ બે લાખ મતોથી આગળ છે. તેમણે ભાજપના નવ્યા હરિદાસ અને CPIના સત્યન મોકેરીને ખૂબ પાછળ છોડી દીધા છે.
કર્ણાટકમાં પેટા ચૂંટણીમાં થયેલી ત્રણેય બેઠકો પર વર્તમાન ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ આગળ છે અને એનડીએ પાછળ છે, જ્યારે ઉત્તરાખંડમાં કેદારનાથ પેટા ચૂંટણીમાં ત્રણ રાઉન્ડની મતગણતરી પછી ભાજપે લીડ જાળવી રાખી છે. ત્રણ રાઉન્ડની મતગણતરી બાદ ઉત્તરાખંડની કેદારનાથ પેટાચૂંટણીનાં પરિણામો ભાજપના ઉમેદવાર આશા નૌટિયાલ 1590 મતોની લીડ છે.
બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં તમામ છ બેઠકો પર TMC પ્રારંભિક વલણમાં આગળ છે. પશ્ચિમ બંગાળમાં 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાઈ હતી તે સીતાઈ, મદારીહાટ, નૈહાટી, હરોઆ, મેદિનીપુર અને તાલડાંગરામાં છ બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ આગળ છે, જયારે ભાજપ પાછળ છે.