સેલિબ્રિટીઝનાં ટ્વીટ્સ વિશે મહારાષ્ટ્ર સરકાર તપાસ કરાવશે

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરની પોપગાયિકા રિહાના અને સગીર વયની પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોનાં આંદોલનને ટ્વીટ કરીને સમર્થન જાહેર કર્યાં બાદ આ મામલે સચીન તેંડુલકર, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, લતા મંગેશકર જેવી અનેક નામાંકિત વ્યક્તિઓએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને એકતા જાળવી રાખવાની અપીલ કરી છે. પણ એમાં વિવાદ થયો છે. આંદોલનકારીઓનાં ટેકામાં અને ભારત સરકારની વિરુદ્ધમાં સોશિયલ મિડિયા પર મંતવ્યો જાહેર કરવાનું હસ્તીઓને આમંત્રણ આપતા એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ મામલે મહારાષ્ટ્ર સરકાર તપાસ કરાવવાની છે કે જાણીતી હસ્તીઓને ટ્વીટ કરવા માટે કોઈના તરફથી દબાણ કરવામાં આવ્યું હતું કે કેમ. મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીની સંયુક્ત સરકારના એક, કોંગ્રેસ પક્ષના નેતા સચીન સાવંતે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને વિનંતી કર્યા બાદ દેશમુખે આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે હસ્તીઓને ભાજપ તરફથી તો કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નહોતુંને.

મહારાષ્ટ્ર સરકારની અક્કલ ઠેકાણે નથીઃ દેવેન્દ્ર ફડણવીસની તીખી પ્રતિક્રિયા

દેશમુખે ગુપ્તચર વિભાગ દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યા બાદ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે દેશમુખની ટીકા કરી છે અને કહ્યું કે, ‘મહાવિકાસ આઘાડી સરકારનો આ નિર્ણય ઘૃણાસ્પદ અને વખોડવાને લાયક છે. ક્યાં ગયું તમારું મરાઠી ગૌરવ? ક્યાં છે તમારો મહારાષ્ટ્ર ધર્મ? જેઓ આપણા દેશ માટે કાયમ સમાન સુરમાં ઊભા રહ્યા છે એવા ‘ભારત રત્ન’ સમ્માનિત (સચીન તેંડુલકર) સામે તપાસ કરાવો છો? સરકાર તેની તમામ સંવેદના ખોઈ બેઠી હોય એવું લાગે છે. એને શરમ આવવી જોઈએ.’