નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીઓએ બનાવેલી કોરોના વાઈરસ-વિરોધી રસીઓના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. સરકારે હવે સીરમની ‘કોવિશીલ્ડ’ રસી અને ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ રસીના કુલ 6 કરોડ ડોઝના ઓર્ડર આપ્યા છે. પુણેમાં સીરમની લેબોરેટરીમાંથી આજે વહેલી સવારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં નિર્મિત કોવિશીલ્ડ રસી ધરાવતું પહેલું કન્સાઈનમેન્ટ દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું. ત્રણ ટ્રકમાં રાખેલા આ કન્સાઈનમેન્ટને સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ પુણે એરપોર્ટ ખાતે અને ત્યાંથી ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવશે.
કેન્દ્ર સરકારે આવતી 16 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કર્યું છે. પહેલા તબક્કામાં ત્રણ કરોડ સ્વાસ્થ્યકર્મીઓ અને મોખરે રહેતા કોરોના-યોદ્ધાઓને આ રસી આપવામાં આવશે. પ્રત્યેક જણને કોરોના રસીના બે ડોઝ આપવામાં આવશે. સરકારે સીરમ પાસેથી પ્રતિ ડોઝ રૂ. 210 (જીએસટી સહિત)ના ખર્ચે, કુલ રૂ. 231 કરોડમાં, 1 કરોડ 10 લાખ ‘કોવિશીલ્ડ’ના ડોઝની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. ભારત બાયોટેક પાસેથી સરકાર ‘કોવેક્સિન’ રસીના 55 લાખ ડોઝ ખરીદવાની છે. એ માટે કુલ રૂ. 162 કરોડનો ખર્ચ થશે. હાલના દરે રસીકરણનો કુલ ખર્ચ રૂ. 1,300 કરોડ થશે.