કોરોના રસીકરણનો ખર્ચ કેન્દ્ર-સરકાર ઉઠાવશેઃ મોદીની જાહેરાત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો તથા અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના વાઈરસની રસી નાગરિકોને આપવાના મુદ્દે ચર્ચા કરી હતી. એમણે જાહેરાત કરી હતી કે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ, પેરા-મેડિકલ કર્મચારીઓ જેવા સેવામાં મોખરે રહેતા કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે અને તેમનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. જેમને રસી આપવામાં આવશે તેમને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકોને તેમજ 50 વર્ષથી નીચેની વયના કો-મોર્બિડ દર્દીઓ (ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે)ની બીમારી ધરાવનારાઓને રસી આપવામાં આવશે. આવનારા અમુક મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનો કેન્દ્રનો લક્ષ્યાંક છે. સરકાર આ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસેથી ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા નિર્મિત ‘કોવિશીલ્ડ’ રસીના 1 કરોડ 10 લાખ ડોઝ ખરીદવાની છે. આ માટે ડોઝ દીઠ રૂ. 200નો ખર્ચ સરકાર ઉઠાવશે. સરકારે ભારત બાયોટેક કંપની સાથે એની ‘કોવેક્સિન’ રસીના ડોઝ ખરીદવા માટે પણ કરાર કર્યો છે.

કોવિડ-19 રસીની કિંમતના મુદ્દાનો ઉલ્લેખ કરીને વડા પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકારો જો પોતાની રીતે રસીની ખરીદી કરશે તો કંપનીઓને કિંમતના મામલે થોડીક તકલીફ ઊભી થશે. તેથી કોઈ એક જ એજન્સી, જેમ કે કેન્દ્ર સરકાર, આ જવાબદારી ઉઠાવે એ દેશ માટે વધારે સારું કહેવાશે. પહેલા ત્રણ કરોડ સ્વાસ્થ્યકર્મીઓ તથા મોખરાના સેવાકર્મીઓને કોરોના રસી અપાઈ જાય તે પછી ભાવિ પગલાં નક્કી કરવા માટે હું મુખ્ય પ્રધાનો સાથે ફરી બેઠક કરીશ.