સફાઈ કામદારોનું સન્માન, સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

ગાંધીનગર: રાયસણ સ્થિત પંચેશ્વર રામજી મંદિરમાં છેલ્લા પાંચ દિવસથી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. કથાના પાંચમા દિવસે અહીં સામાજિક સમરસતાનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો. રાયસણ વિસ્તારના સફાઈ કામદારોએ વ્યાસપીઠ ઉપર ભાવપૂર્વક ભાગવત પોથીનું વિધિવત પૂજન કર્યું હતું.આ પ્રસંગે જાણીતા કથાકાર જયેશભાઇ શાસ્ત્રી અને કથાના આયોજકો દ્વારા તમામ સફાઈ કામદારોને ખેસ પહેરાવી તથા પવિત્ર ગ્રંથ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ ભેટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં સમાનતા અને સમરસતાનો સંદેશ આપતા આ પ્રેરણાદાયી પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, મેયર મિરાબેન પટેલ સહિતના અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગોવર્ધન પૂજા અને મનમોહક ઝાંખીઓ

કથાના પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ અંતર્ગત ગોવર્ધન પૂજા અને છપ્પન ભોગ અન્નકૂટ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ સાથે જ શ્રીનાથજી-યમુનાજી, મહાપ્રભુજી તેમજ ભગવાન શિવજીની આબેહૂબ અને મનમોહક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.

આજે કથામાં યોજાશે ભવ્ય ‘રૂક્ષ્મણી વિવાહ’

કથાના છઠ્ઠા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ (રૂક્ષ્મણી વિવાહ) ઉજવવાનો છે. આ ઉત્સવ અંતર્ગત,

  • ભગવાનની જાન પક્ષ (વર પક્ષ)ના યજમાન: ગુંજનબેન રણછોડભાઇ દરજીભાઇ પરિવાર

  • કન્યા પક્ષના યજમાન: રશ્મિબેન કેતનભાઇ રમેશભાઇ પટેલ પરિવાર

આ ભવ્ય લગ્નોત્સવને લઈને રાયસણ અને આસપાસના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.