તાંબાના વાસણમાં રસોઈ? ટાળો તો સારું!

પ્રશ્ન:આજકાલ તાંબાનાં વાસણનું (copper utensils) ચલણ ખૂબ વધ્યું છે. ખરેખર તાંબાનો ઉપયોગ સારો છે? એમાં રસોઈ બનાવવી હિતાવહ છે?

  • ભૂમિ પટેલ (સુરત)

ઉત્તર: તાંબું ફક્ત સાદા પાણી માટે ઉપયોગમાં લેવાય તો જ એ હિતાવહ છે. એમાં અથવા ઍલ્યુમિનિયમનાં વાસણમાં રસોઈ બને ત્યાં સુધી ન બનાવવી. ટામેટાં, લીંબુનો રસ, દહીં કે છાશ જેવી ખટાશવાળી વસ્તુનો સંગ્રહ પણ આ પ્રકારનાં વાસણોમાં ન કરવો, કારણ કે એના લીધે ખોરાકમાં રાસાયણિક પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ શકે છે અને ખોરાક ઝેરી બની શકે છે.

તાંબું પીવાના પાણીના સંગ્રહ માટે શ્રેષ્ઠ છે. તમે આ પ્રકારનાં વાસણમાં ભરેલું પાણી પીવો છો ત્યારે તમે ફક્ત તમારી તરસ છીપાવી રહ્યાં નથી, પરંતુ એક પ્રકારની સદીઓ જૂની દવા લઈ રહ્યાં છો, જે તમને અમુક પ્રકારના માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની ખામીથી બચાવવા ઉપયોગી નીવડે છે. આ પ્રકારનું પાણી પણ સાતથી આઠ કલાક સુધી જ સંગ્રહ કરીને ઉપયોગમાં લેવું.

રસોઈ બનાવવામાં વાસણને ગરમી આપવી પડે છે. ઍલ્યુમિનિયમ કે તાંબું જેવી અમુક પ્રકારની મેટલને કારણે ખોરાક પર વિપરીત અસર થાય છે. લોખંડનાં વાસણમાં રસોઈ બનાવવાથી એમાં રહેલું આયર્ન આહારમાં ભળે છે. સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ સાફસફાઈમાં પણ સરળ છે અને એના ઉપયોગથી હીટના લીધે આડઅસર થતી નથી. આ ઉપરાંત, સિરામિક અથવા કાચનાં વાસણમાં માઇક્રોવેવની મદદથી રસોઈ બનાવી શકાય, જે પણ સલામત છે.

એક રીતે જોઈએ તો, તાંબાનો ઉપયોગ સરળ તેમજ ફાયદેમંદ છે, પરંતુ એને રસોઈ બનાવવામાં ઉપયોગમાં લેવાનું ટાળવું. એ જ રીતે, ઍલ્યુમિનિયમનાં વાસણ પણ રાંધવામાં ઉપયોગમાં ન લેવાં.

પ્રશ્ન: સારા પ્રોટીનના સ્રોત તરીકે હું રોજ ડ્રાયફ્રૂટ્સ (dry fruits) લઈ રહ્યો છું. કયા સૂકા મેવામાં પ્રોટીન વધુ હોય? રોજ એનું સેવન કેટલું કરી શકાય?

  • મંથન પટેલ (અમદાવાદ)

ઉત્તર: ન્યુ ઈંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ડ્રાયફ્રૂટ્સની આદર્શ દૈનિક જરૂરિયાત ૨૦થી ૩૦ ગ્રામ એટલે કે લગભગ એક મુઠ્ઠી જેટલી છે. મહત્તમ લાભ મેળવવા તેમજ વિટામિન્સ અને મિનરલ્સ સાથે ઓમેગા-૩ ફૅટી ઍસિડ્સનો સમન્વય જાળવવા વિવિધ પ્રકારના સૂકા મેવાનું સેવન કરી શકાય.

એમાં ત્રણથી ચાર બદામ, બે કે ત્રણ અખરોટ, બે ખજૂર અથવા કિસમિસ કે અંજીર (ડાયાબિટીસ હોય તો ન લેવાં)નો સમાવેશ કરી શકાય.

સગર્ભા સ્ત્રી રોજ આશરે ૩૦થી ૬૦ ગ્રામ જેટલાં ડ્રાયફ્રૂટ્સ લઈ શકે. સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ લેવાય તો એમાં રહેલાં પ્રોટીન ઉપરાંત અન્ય પોષક તત્ત્વો સારી રીતે પચી શકે. રાત્રે પલાળીને એનો ઉપયોગ કરવાથી ડ્રાયફ્રૂટ્સમાં રહેલા ઍન્ટિન્યુટ્રિશનલ ફૅક્ટરનો નાશ થાય છે, જેથી એનું પાચન પણ સારી રીતે થઈ શકે છે.

પ્રશ્ન: ગરમીમાં હાઈડ્રેટ રહેવા માટે ચિયા સીડ્સ (chia seeds) લઈ શકાય? એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય?

  • ચિંતન ઠક્કર (રાજકોટ)

ઉત્તર: ચોક્કસપણે એનો ડિહાઇડ્રેશનથી બચવા ઉપયોગ કરી શકાય. ચિયા સીડ્સની વાત કરીએ તો, આ બીજ રાત્રે પલાળીને સવારે લેવાં. આ બીજમાં એના વજન કરતાં દસ ગણું પાણી શોષવાનો ગુણધર્મ છે. પેટમાં ગયા પછી એ ધીમે ધીમે શરીરમાં પહોંચે છે, જેનાથી તમે લાંબા સમય સુધી હાઇડ્રેટ રહી શકો છો.

એ બ્લડ પ્રેશર અને શુગરને પણ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તમે એને પાણીમાં અથવા દહીં કે સ્મૂધીમાં ભેળવીને પણ લઈ શકો. ચિયા સીડ્સને ઓછામાં ઓછા ૧૫થી ૩૦ મિનિટ પલાળીને પછી જ લેવાં જોઈએ.

ચિયા સીડ્સ ફાઇબર, ઓમેગા-૩ ફૅટી ઍસિડ્સ, પ્રોટીન, કૅલ્શિયમ અને ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર એક સુપરફૂડ છે, જે વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં, હૃદયના સ્વાસ્થ્ય માટે, બ્લડ શુગર નિયંત્રિત કરવામાં તેમજ હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે.

એનો રોજિંદો ઉપયોગ ચોક્કસપણે ફાયદાકારક છે. ખાસ ધ્યાન રાખવું કે રોજ માત્ર એક ચમચી ચિયા સીડ્સનું સેવન પૂરતું છે. એને વધારે માત્રામાં લેવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.

પ્રશ્ન: ઓલિવ ઑઈલ (olive oil) રાંધવા માટે સારું છે?

  • છાયા શાહ (ભાવનગર)

ઉત્તર: રસોઈ માટે વપરાતાં પારંપરિક તેલ કરતાં ઓલિવ ઑઈલ વધુ હેલ્ધી છે, કારણ કે એમાં અત્યંત હેલ્ધી એવી મોનોઅનસૅચ્યુરેટેડ ચરબી હોય છે અને એ પોલીફિનોલ્સ એટલે કે એક પ્રકારના ઍન્ટિઑક્સિડન્ટથી ભરપૂર છે. એ શરીરમાં રહેલા ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડીને હાર્ટ હેલ્થ સુધારે છે.

જો કે, આ તેલ વાપરવામાં ખાસ ધ્યાન રાખવું કે એને લો ટેમ્પરેચરમાં બનતી રાંધણ પદ્ધતિમાં જ વાપરવું. વધુ ઉષ્ણતામાને એ એની વાસ્તવિક અસર ગુમાવે છે.

ઓલિવ ઑઈલમાં શાકભાજી રાંધવાથી એમાં રહેલાં પોષક તત્ત્વોને શોષવાની ક્ષમતા વધે છે. એ ઓછીથી મધ્યમ ગરમી પર રસોઈ માટે યોગ્ય છે અને ખોરાકમાં વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે. આથી જ ઓલિવ ઑઈલ મોટા ભાગે સૅલડ ડ્રેસિંગમાં ઉપયોગમાં લેવાય છે. એના દ્વારા બનાવવામાં આવેલો આહાર ખાવાથી પેટ ભારે લાગતું નથી.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)