લોકડાઉનઃ અટવાયેલા લોકોને વતન પહોંચાડવાની વ્યવસ્થાની પરવાનગી અપાઈ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કેન્દ્ર સરકારે વધુ હળવું બનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પરવાનગી આપી છે કે અનેક રાજ્યોમાં ફસાઈ ગયેલા માઈગન્ર્ટ કામદારો, વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ અને પર્યટકો સહિત તમામ લોકોને એમના વતન રાજ્ય સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરે. આવા કમનસીબ લોકોની અવરજવર માટે કેન્દ્ર સરકારે છૂટ આપી છે, પરંતુ અમુક શરતો પણ મૂકી છે.

કેન્દ્રના આ નિર્ણયને કારણે લોકડાઉનમાં અટવાઈ ગયેલા હજારો લોકો એમના હાલના સ્થળેથી એમનાં ઘેર જઈ શકશે. કેન્દ્ર સરકારે જો કે બસ વ્યવસ્થા કરવાની રાજ્યોને છૂટ આપી છે.

ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં આજે એક ઓર્ડર ઈસ્યૂ કર્યો છે. સરકારે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને સૂચના આપી છે કે ફસાઈ ગયેલા લોકોને મોકલવા અને એમના રાજ્યોમાં સ્વીકારવા માટે નોડલ સત્તાધિશોની નિમણૂક કરે અને તેમજ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવે. ફસાઈ ગયેલા લોકોને એમના લોકેશન સુધી પહોંચાડવા સુધીના ક્રમમાં તેઓ જે રાજ્યોમાંથી પસાર થાય ત્યાં એમની અવરજવરને પરવાનગી આપવી.

સરકારે જો કે અમુક શરતો પણ મૂકી છે. જેમ કે, વતન રાજ્ય તરફ જતા લોકોએ મેડિકલ ચેકઅપ કરાવવું પડશે. સ્ક્રીનિંગમાં જે લોકો એસિમ્પ્ટોમેટિક હશે (એટલે કોરોનાનાં લક્ષણ ન હોય) એવું માલૂમ પડશે તો જ એમને સફરમાં આગળ જવાની પરવાનગી અપાશે. એક સ્થળેથી બીજા સ્થળે જતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે અને આ લોકો જ્યારે પણ પોતપોતાના ઘેર પહોંચી જાય તે પછી એમણે હોમ-ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.