લાલુપ્રસાદવાળી હોસ્પિટલના દર્દીને કોરોના થયો; તંત્ર સતર્ક

રાંચીઃ ઝારખંડના રાંચી સ્થિત રાજેન્દ્ર આયુવિજ્ઞાન સંસ્થાન (RIMS))માં દાખલ થયેલા RJD પાર્ટીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મેડિકલ સુરક્ષાને લઈને હોસ્પિટલ વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે, કારણ કે લાલુ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ યાદવના વોર્ડમાં કોરોનાનો એક પોઝિટિવ દર્દી મળ્યો છે. એને કારણે RIMS વહીવટી તંત્ર અને ઝારખંડનો આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે.

લાલુના ડોક્ટરે ખુદને ક્વોરોન્ટાઇન કર્યા

પ્રાપ્ત માહિતી અનુસાર RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવેની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ પ્રસાદે ખુદને ક્વોરોન્ટાઇન કરવાની વાત કરી હતી. પાછલા 15 દિવસથી ડો. ઉમેશ પ્રસાદના વોર્ડમાં દાખલ થયેલા 78 વર્ષના એક શખસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ડોક્ટરે આ નિર્ણય લીધો હતો. આ સિવાય કેટલાક અન્ય મેડિકલ સ્ટાફ અને દર્દીઓને પણ ક્વોરોન્ટાઇન કરવાની વાત સામે આવી હતી.

કિડની, હાર્ટ અને સુગર જેવી બીમારીઓથી પીડિત લાલુપ્રસાદ

કરોડો રૂપિયાના ચારાકૌભાંડમાં ચાર જુદા જુદા કેસમાં અપરાધી જાહેર કરાયા બાદ સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવ RIMSના ખાનગી વોર્ડમાં દાખલ કરાયા છે. લાલુ યાદવને કિડની, હાર્ટ, સુગર જેવી અનેક ક્રોનિક બીમારીઓ છે. આ બીમારીઓને કારણે લાલુ યાદવને કોરોના સંક્રમિત હોવાનો સૌથી મોટું જોખમ છે.

લાલુની કોરોના તપાસ

RIMS સપરિન્ટેન્ડેન્ટ વિવેક કશ્યપે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે જો જરૂર પડશે તો લાલુ પ્રસાદ યાદવની પણ કોરોનાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે કોઈ પણ જાતનું જોખમ લેવા ઇચ્છતા નથી, એટલે સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવી રહી છે. જોકે લાલુ યાદવે પોતાના રૂમની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે.

RIMSના ડાયરેક્ટર ડો. ડી.કે. સિંહે પણ કહ્યું કે લાલુ યાદવને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના ઓછી છે, કારણ કે એમનો ઈલાજ કરતા કોઈ પણ ડોક્ટર કે એમની ટીમના કોઈ સ્વાસ્થ્યકર્મીને કોરોનાનો ચેપ લાગ્યો નથી. લાલુ યાદવ RIMSના ખાનગી વોર્ડમાં છે. એ ત્યાંથી બહાર પણ નીકળતા નથી. એટલે એમને ચેપ લાગવાનો કોઈ સંભવ નથી. ડો. ઉમેશ પ્રસાદ જરૂરી સમજશે તો જ લાલુ યાદવની કોરોના માટે ટેસ્ટ લેવામાં આવશે.