‘ગુજરાતીઓને ગૂંડાઓ લાવીને સત્તા કબજે કરવી છે’

હાવડાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને બે મુદતથી રાજ્યમાં શાસન કરનાર તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજીએ ભારતીય જનતા પાર્ટી પર આકરાં પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું છે. આજે એમણે એવો આરોપ મૂક્યો છે કે ગુજરાતીઓ (દેખીતી રીતે એમનો ઈશારો નરેન્દ્ર મોદી અને અમિત શાહ તરફ છે) ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ગૂંડાઓ લાવીને બંગાળમાં સત્તા કબજે કરવાનો પ્રયાસ કરે છે.

અત્રે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં બેનરજીએ કહ્યું કે, અમે બંગાળને ગુજરાત જેવું બનવા નહીં દઈએ. ભાજપ કોમી તંગદિલી ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. એ લોકો (ભાજપવાળા) ખેડૂતોને પૈસા આપવાના મોટા વચન આપે છે. મેં એમને (કેન્દ્ર સરકારને) લાભાર્થી ખેડૂતોની એક યાદી મોકલી છે. શા માટે તેઓ એમને પૈસા આપતા નથી?

294-સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાઈ રહી છે. બે તબક્કાનું મતદાન થઈ ગયું છે. મતદાનનો આખરી રાઉન્ડ 29 એપ્રિલે છે. મતગણતરી અને પરિણામની જાહેરાત 2 મેએ કરાશે.