કોરોનાથી મૃત્યુ પામેલા કોન્સ્ટેબલના પરિવારને રૂ.1 કરોડ ચૂકવોઃ દિલ્હી HCનો આદેશ

નવી દિલ્હીઃ 2020ની સાલમાં ફરજ બજાવતી વખતે કોરોનાવાઈરસ મહામારીનો ચેપ લાગ્યા બાદ મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલના પરિવારને રહેમની રૂએ વળતર પેટે રૂ. 1 કરોડની રકમ ચાર અઠવાડિયામાં ચૂકવી દેવાનો દિલ્હી સરકારને આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ પ્રતિભા એમ. સિંહે સરકારને આદેશ આપ્યો છે કે રૂ. એક કરોડની રકમ ચાર અઠવાડિયામાં મૃતક દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ અમિત કુમારની પત્ની અને પિતાને ચૂકવી દેવી. કોર્ટે કહ્યું છે કે સરકારે જ છેક 2020ની 13 મેએ મંજૂર કર્યું હતું કે રૂ. 60 લાખ મૃતકની પત્નીને અને રૂ. 40 લાખ મૃતકના પિતાને આપવા. પરંતુ આ રકમ હજી સુધી છૂટી કરાઈ નથી. હવે તે રકમ ચાર અઠવાડિયામાં જ છૂટી કરી દેવી.

દિલ્હી સરકાર વતી કોર્ટમાં ઉપસ્થિત રહેલા એડવોકેટ અરૂણ પનવારે કહ્યું કે સત્તાવાળાઓ કોર્ટના આદેશનું પાલન કરશે.

2020ના મે મહિનામાં દિલ્હીમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે લોકડાઉન નિયમો લાગુ કરાયા હતા ત્યારે કોન્સ્ટેબલ અમિતકુમારને દીપચંદ બંધુ હોસ્પિટલમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા. ત્યાં એમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને 2020ની પાંચમી મેએ તેઓ મૃત્યુ પામ્યા હતા. કુમારની પત્ની એ વખતે ગર્ભવતી હતી. વળતરની મંજૂર કરાયેલી રકમ મેળવવા માટે કુમારના પત્નીને ખૂબ ધક્કા ખાવા પડ્યા હતા, પરંતુ રકમ છૂટી કરાતી નહોતી. આખરે એમણે કોર્ટમાં પીટિશન નોંધાવી હતી.