અરુણાચલ પ્રદેશમાં સેલા સુરંગના બાંધકામથી ચીન ધૂંવાંપૂંવાં

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ હાલમાં જ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી, જે પછી ચીનના વિદેશ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો હતો. વડા પ્રધાનની રાજ્ય યાત્રા પર બીજિંગના વાંધાને ભારતે ફગાવી દીધો હતો, પરંતુ ચીન એની અવળચંડાઈથી બાજ નથી આવી રહ્યું. હવે ચીની સેનાએ અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો ફરી દોહરાવ્યો છે. ચીનની સેનાએ અરુણાચલ પ્રદેશને ચીનના ક્ષેત્રનો સ્વાભાવિક હિસ્સો કહ્યો છે.

ચીની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ જિયાઓગાંગે કહ્યું હતું હતું કે જિજાંગ (તિબેટનું ચીની નામ)નો દક્ષિણી ભાગ ચીનના ક્ષેત્રનો એક અંતરિયાળ ભાગ છે. ચીની રક્ષા મંત્રાલયની વેબસાઇટ પર શુક્રવારે પોસ્ટ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ઝાંગે અરુણાચલ પ્રદેશમાં સેલા સુરંગના માધ્યમથી ભારત દ્વીરા સેનાની તૈયારી વધારવાના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.

ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટના રૂપમાં દાવો કરે છે. તે દાવો મજબૂત કરવા માટે ચીન નિયમિત રૂપે ભારતીય નેતાઓની રાજ્યની રાજ્યની મુલાકાતો પર વાંધા ઉઠાવે છે. બીજિંગે આ ક્ષેત્રનું નામ જાંગનાન રાખ્યું હતું. જોકે ભારતે અરુણાચલ પ્રદેશના ક્ષેત્રીય દાવાઓને વારંવાર ફગાવતાં કહ્યું હતું કે રાજ્ય દેશનું અભિન્ન અંગ છે.

વડા પ્રધાન મોદીએ રાજ્યમાં 13,000 ફૂટ ઊંચાઈએ બનેલી સેલા સુરંગને રાષ્ટ્ર સમપર્તિ કરી હતી, જે વ્યૂહાત્મક રીતે તવાંગને દરેક હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને સીમાંત ક્ષેત્રમાં સૈનિકો આવજા સુનિશ્ચિત કરશે. ચીન આ બાંધકામથી ધૂંવાંપૂંવા છે.