જયપુરઃ કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે અત્યાર સુધી એક પણ ટિકિટ નથી આપી, તેમ છતાં ગહેલોત જૂથ અને સચિન પાઇલટ જૂથ વચ્ચે ચાલી રહેલી રસાકસીને કારણે ઉમેદવારોની યાદીમાં વિલંબ થઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને મુદ્દે કહ્યું છે કે સચિન પાઇલટની નજીકના બધી વ્યક્તિઓને ટિકિટ ક્લિયર થઈ રહી છે. અમારી તરફથી એક પણ સમર્થકે એ ટિકિટો પર વાંધો નથી ઉઠાવ્યો, એના પરથી અંદાજ લગાવી લો કે અમારી વચ્ચે કેટલો પ્રેમ છે? એમ તેમણે કહ્યું હતું.
તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાનપદ છોડવા ઇચ્છે છે, પણ આ પદ તેમને નથી છોડી રહ્યું અને કદાચ છોડશે પણ નહીં. પાર્ટીના સર્વોચ્ચ નેતા જે નિર્ણય લેશે એનો બધાને સ્વીકાર કરવો પડશે. સચિન પાઇલટની સાથેના મતભેદો પર તેમણે કહ્યું હતું કે ‘ભૂલો અને માફ કરો’ની નીતિના અમલની વાત કરી હતી.
તેમણે ભાજપ પર હુમલો કરતાં આરોપ લગાવ્યો હતો કે ‘લાલ ડાયરી’નું ષડયંત્ર ભાજપના વડા મથકમાં રચવામાં આવ્યું હતું, પણ એ નિષ્ફળ થઈ ગયું. સરકાર પાડવા માટે ‘લાલ ડાયરી’થી જોડાયેલા કાવતરામાં અમિત શાહ, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર શેખાવત અને જફર ઇસ્લામ સામેલ હતા. આ ભાજપ ચૂંટાયેલી સરકાર પાડી રહી છે અને એને સત્તાવામાં રહેવાનો કોઈ હક નથી, એમ તેમણે કહ્યું હતું.