મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાટો આવી રહ્યો છે. બધી પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીપ્રચારમાં લાગી ગઈ છે. જોકે સોશિયલ મિડિયામાં ભાજપના નેતા અને ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન ખૂબ વાઇરલ થઈ રહ્યું છે.
તેમણે કહ્યું છે કે ભાજપ એકલા હાથે મહારાષ્ટ્રમાં જીતી નથી શકતી. રાજ્યમાં ભાજપ મહાગઠબંધનનો એક ભાગ છે. જેમાં શિવસેના એકનાથ શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથ અને RPIનો સમાવેશ થાય છે.તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ એકલા ચૂંટણી જીતી શકે નહીં, પરંતુ ચૂંટણી બાદ તે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવશે. દેવેન્દ્ર ફડણવીસે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેઓ કહે છે કે સાચું કહેવું એ વ્યવહારુ હોવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે અમે કેટલાક મહત્વાકાંક્ષી ઉમેદવારો માટે દુઃખી છીએ. જેમને આ વિધાનસભા ચૂંટણીમાં તક આપવામાં આવી નથી. તેમણે મજાક સ્વરૂપે કહ્યું હતું કે મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ એવી છે કે ઘણી ફિલ્મો બની રહી છે અને દરેક અભિનેતાને તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવી છે.
તેમણે દાવો કર્યો છે કે ભાજપ, શિવસેના-UBT, NCP અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની ગઠબંધન સરકાર બનવાની છે. તેમણે કહ્યું હતું કે મહાયુતિ લોકસભાની ચૂંટણીમાં 48માંથી માત્ર 17 બેઠકો જીતી શકી છે, પરંતુ વિધાનસભા ચૂંટણી પર તેની કોઈ અસર થશે નહીં.