ભાજપનો રાજ્યસભાના સાંસદો, પ્રધાનોને ચૂંટણીની તૈયારી કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના ટોચના નેતૃત્વએ 10 કેન્દ્રીય મંત્રીઓ અને કેટલાક વિધાનસભ્યો અને ઓછામાં ઓછા 10 રાજ્યસભાના સભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઝુકાવવા માટે તૈયારીઓ કરવા કહ્યું છે. વડા પ્રધાન મોદીની કેબિનેટમાં સામેલ રાજ્યસભાના 18 સાસંદો અને પ્રધાનોને પાંચ લોકસભા ક્ષેત્રોની સમીક્ષા કરવા અને પાર્ટીની ટિકિટ પર લડવા માટે ત્રણ સીટોની પસંદગી કરવા નિર્દેશ આપ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

હાલમાં મિડિયા અને રાજકીય વર્તુળોમાં કેટલાક કેબિનેટ પ્રધાનો અને કેટલાક સાંસદોનાં નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે પાર્ટીમાં હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને વ્યાપક વિચારવિમર્શ ચાલી રહ્યો છે, જેમાં પક્ષે કેટલાક કેન્દ્રીય નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. જોકે તેમની પસંદગી ચૂંટણીમાં મદતારોને આકર્ષવાની તેમની ક્ષમતા પર આધારિત રહેશે.

જોકે અનેક પ્રયાસો છતાં જે નેતાઓનાં નામની ચર્ચા છે, તેમણે મિડિયાના કોઈ સવાલનો જવાબ નહોતો આપ્યો, પરંતુ ભાજપનાં સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે આ નેતાઓને મૌખિક રૂપે આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.

જો સૂત્રોનું માનીએ તો નાણપ્રધાન નિર્મલા સીતારામન, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, હરદીપ પૂરી, એસ. જયશંકાર, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય કેન્દ્રીય મંત્રીઓનાં નામની ચર્ચા ચાલી રહી છે. આ બધા રાજ્યસભામાં પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે.