નોટ આઉટ @ 96 : મોઝેલ જેકોબ

એકદમ ઉમળકા-ભરી FLYING KISSથી આજના સંવાદની શરૂઆત કરનાર 96 વર્ષનાં રૂપાળાં, ઉત્સાહી અને ઉમંગથી તરવરતાં 96 વર્ષનાં યહૂદી મહિલા મોઝેલ જેકોબની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

તેમનો જન્મ મુંબઈના યહૂદી કુટુંબમાં. પિતા બોમ્બે-પોર્ટ પર મઝગાંવ ડોકના શેડ મેનેજર હતા. માતાનાં લગ્ન 13 વર્ષની નાની ઉમરે થયેલા. તેઓ નવ ભાઈ-બહેન, તેમાં તેમનો નંબર આઠમો. મોઝેલ ત્રણ વર્ષનાં થયાં ત્યાં તો તેમણે પિતાની છત્રછાયા ગુમાવી! ભાઈખલાની હ્યુમ હાઈસ્કૂલમાં તેઓ એસએસસી સુધી ભણ્યાં અને 18 વર્ષની ઉંમરથી કામકાજ શરૂ કર્યું. તરત નોકરી લઈ લીધી. ગેલેક્સો કંપનીમાં પેકેજીંગ ડિપાર્ટમેન્ટમાં જોડાયાં, અને 60 વર્ષની ઉંમરે તે જ કંપનીમાં QUALITY CONTROL (QC) ડિપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર તરીકે રિટાયર થયાં. 1959માં તેમનાં લગ્ન બોમ્બે પોર્ટ-ટ્રસ્ટના મેનેજર સેમસન જેકોબની સાથે થયા. તેમને એક પુત્ર, એક પૌત્ર અને એક પૌત્રી છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે સાત વાગે ઊઠે. કેર-ટેકરની મદદથી નાહી-ધોઈ તૈયાર થાય, પછી નાસ્તો કરે અને છાપુ વાંચે. છાપામાં ક્રોસ-વર્ડ અને પઝલ કરવી બહુ જ ગમે! સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ ધરાવે એટલે સ્પોર્ટ્સના સમાચાર ખાસ વાંચે. ક્રિકેટ ચાલતી હોય ત્યારે ક્રિકેટના સમાચાર વાંચવાનું બહુ ગમે! ઘરમાં સાફ-સૂફી કરવામાં મદદ કરે અને પછી ટીવી જુએ. ઘરમાં થોડું ચાલે. જમીને આરામ કરે. પાના તથા કેરમ રમવું ગમે છે એટલે બપોરે જે કોઈ હોય તેની સાથે પાના કે કેરમ રમે! દર અઠવાડિયે એકાદ ફિલ્મ જુએ. OTT ઉપર પણ પિક્ચર જુએ છે! સામાન્ય રીતે હિન્દી-ફિલ્મ કે મરાઠી-ફિલ્મ જુએ છે. શુક્રવારની તેમની પ્રાર્થના “સબા” ખાસ અગત્યની. દર શુક્રવારે તે પ્રાર્થનામાં જોડાય. તે દિવસે તેમના ધાર્મિક રીત-રીવાજ પ્રમાણે રસોઈ થતી નથી એટલે રસોઈ પણ કરે નહીં.

શોખના વિષયો : 

ઘરની સાફ-સૂફી કરાવી ગમે. પાના/ કેરમ રમવા ગમે. રસોઈ કરવી ગમે પણ હવે બાળકો તેમને રસોઈ કરવા દેતાં નથી. પિક્ચર જોવાનો શોખ. હિબ્રુ-ભાષા થોડી ઘણી જાણે છે પણ તેમના ધાર્મિક-શ્લોક બધા આવડે છે. પ્રવાસનો બહુ શોખ હતો. હિમાચલ-પ્રદેશ, કાશ્મીર, ગોવા અને આખું ભારત ફરી વળ્યાં છે. દુબઈ જઈ આવ્યાં છે. પૌત્ર ઇઝરાયેલ રહે છે એટલે તેઓ ઈઝરાયેલ પણ ગયાં છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, કોઈ મોટી બીમારી નથી. ચાલી શકે છે, મુસાફરી પણ કરી શકે છે! ઘરનું નાનું-મોટું કામ પણ કરે છે. ઝાપટ-ઝૂપટ કરે છે, સાફ-સૂફી કરે છે, શાક-ભાજી સાફ કરી નાખે છે! દાંતનું ચોકઠું છે એટલે બધું ખવાય છે. મીઠાઈ બહુ ભાવે છે! જાતે રસોઈ કરવી ગમે પણ હવે રસોડામાં તેમને માટે NO ENTRY! દીકરો-વહુ અને પૌત્રી તેમનું સરસ ધ્યાન રાખે છે. 96 વર્ષની ઉમરે પણ તેમની યાદશક્તિ ઘણી સારી છે અને મનોબળ ઘણું મજબૂત છે! 

યાદગાર પ્રસંગ: 

ગેલેક્સો કંપનીમાં 25 વર્ષની નોકરી તેમણે સફળતાથી પૂરી કરી ત્યારે એક સમારંભમાં તેમને તેનું સર્ટિફિકેટ આપી સન્માન કર્યું હતું તે ગૌરવથી તેઓ યાદ કરે છે! થોડાં વર્ષો પહેલાં તેઓ પૌત્રના ઘેર ઇઝરાયેલ ગયાં હતાં અને ત્યાં મહિનો રહ્યાં હતાં તે પણ તેમને બહુ યાદ રહી ગયું છે. પુત્રના લગ્નમાં કંપનીનાં ઘણાં બધાં કર્મચારીઓ આવ્યાં હતાં અને એક યુગલે તો જોરદાર કોલી-ડાન્સ કરી વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો તે પણ યાદ છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજી તો બહુ વાપરતાં નથી પણ નવી-નવી વસ્તુઓ શીખવી ગમે છે એટલે નવી ટેકનોલોજી માટે ખૂબ પોઝીટીવ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેઓ ‘આજ’માં જ મસ્ત છે! સમય સાથે અને જમાના સાથે જીવવામાં માને છે, એટલે સમય પ્રમાણે માણસમાં ફેરફાર થાય તેનું તેમને મન બહુ મહત્વ નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?   

હવે બહાર તો બહુ જતાં નથી એટલે બહારના યુવાનો સાથે સીધા સંપર્કમાં નથી, પણ તેઓ નોકરીએ જતાં ત્યારે યુવાનો સાથે તેમને બહુ ફાવતું! પૌત્ર-પૌત્રી સાથે પણ સતત કોન્ટેકમાં રહે છે. સંબંધીઓ અને પાડોશમાં રહેતાં યુવાનો સાથે ઘણું સારું ફાવે છે.

સંદેશો :  

LIVE LIFE TO THE FULLEST! આનંદ અને ઉમંગથી જીવન જીવો! ક્યારે ય જિંદગીમાં થાકી ન જવું કે કોઈ ફરિયાદ કરવી નહીં.