મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ ગોળીબારમાં નવનાં મોત, 10 ઘાયલ

ઇમ્ફાલઃ મણિપુરમાં ફરી એક વાર હિંસા ભડકી ઊઠી છે. રાજ્યના ખમેનલોક વિસ્તારમાં ગોળીબારમાં નવ લોકોનાં મોત થયાં છ અને 10 લોકો ઘાયલ થયા છે, એમ સેનાંનાં સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ભડકેલી હિંસામાં એક મહિલા સહિત નવ લોકોનાં મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. ખમેનલોક વિસ્તારમાં મોડી રાતે થયેલા ફાયરિંગની ઘટનામાં એ મોત થયાં છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ખમેનલોક વિસ્તારના એક ગામમાં સંદિગ્ધ લોકોએ કરેલા હુમલામાં કમસે કમ નવ લોકોનાં મોત થયાં છે. આ હુમલાખોરો અત્યાધુનિક હથિયારોથી લેસ હતા. આ હુમલાખોરોએ ખમેનલોક વિસ્તામાં ગ્રામીણોને ઘેરી લીધા હતા ને હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને ઇમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર મૈતી-બહુમતી ધરાવતે ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લા અને આદિવાસી કાંગપોક્સી જિલ્લાની સીમાથી લાગેલો છે. ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લાના ખમેનલોક વિસ્તારમાં હુમલાખોરો અને ગ્રામીણ સ્વયંસેવકોની વચ્ચે થયેલી અથડામણ થઈ હતી, જેમાં ગોળીબારમાં 10 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોની બિષ્ણુપુર જિલ્લાના ફૌગાકચાઓ ઇખાઈમાં કુકી ઉગ્રવાદીઓની સાથે અથડામણ થઈ હતી.

આ પહેલાં મણિપુર ચલાવવામાં આવેલી ઝુંબેશ હેઠળ 1040 હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ હથિયારોને ઉપદ્રવીઓએ વિવિધ સ્થળોથી લૂંટી લીધા હતા. દરમ્યાન જિલ્લા અધિકારીઓએ ઇમ્ફાલ-પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં સવારે પાંચ કલાકથી સાંજે છ કલાક સુધી કરફ્યુમાં છૂટનો સમય ઘટાડીને સવારે પાંચ કલાકથી સવારે નવ કલાક કરી દીધો હતો.