તામિલનાડુના પ્રધાન બાલાજીને ડોક્ટરોએ વહેલી તકે બાયપાસ સર્જરી કરાવવા કહ્યું

ચેન્નાઈઃ મની લોન્ડરિંગના કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે જેમની ધરપકડ કરી છે તે તામિલનાડુના વગદાર પ્રધાન સેન્થિલ બાલાજીએ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કર્યા બાદ એમને અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંના ડોક્ટરે બાલાજી પર આજે કોરોનરી એન્જિયોગ્રામ (હૃદયને લગતી ડાયગ્નોસ્ટિક) પ્રક્રિયા કરવામાં આવી હતી. હોસ્પિટલના હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનરી એન્જિયોગ્રામ કર્યા બાદ બાલાજીના હૃદયમાં ત્રણ મોટા રોગ હોવાનું માલૂમ પડ્યું છે. ડોક્ટરોએ એમને વહેલી તકે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી છે.

ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં પોતાના સાથી પ્રધાન સેન્થિલ બાલાજીને મળવા આવ્યા છે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટેલીન

ઈડી એજન્સીએ મની લોન્ડરિંગના કેસમાં તપાસના ભાગરૂપે ગઈ કાલે તામિલનાડુ રાજ્યના અનેક શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ કેસ તામિલનાડુના કરુર શહેરના વગદાર નેતા બાલાજી સામેના નોકરી કૌભાંડને લગતો છે. રોકડા પૈસા લઈને નોકરી અપાવવાના કૌભાંડમાં બાલાજીનું નામ આવ્યું છે. એમની સામે તપાસ કરવાની પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને સુપ્રીમ કોર્ટે પરવાનગી આપ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી અધિકારીઓએ ચેન્નાઈમાં બાલાજીના સત્તાવાર નિવાસસ્થાન, એમની સત્તાવાર ચેમ્બર અને એમના ભાઈ અશોકના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા.