જથ્થાબંધ મોંઘવારી દર મે મહિનામાં ત્રણ વર્ષના નીચલા સ્તરે

નવી દિલ્હીઃ દેશમાં મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) ત્રણ વર્ષના નીચલા સ્તરે આવી ગયો હતો. સરકાર દ્વારા જારી કરેલા આંકડા મુજબ ગયા મહિને WPIમાં વાર્ષિક આધારે 3.48 ટકાનો નકારાત્મક ગ્રોથ જોવા મળ્યો હતો. એપ્રિલમાં પણ જથ્થાબંધ મોંઘવારી દરમાં 0.92 ટકાનું સંકોચન જોવા મળ્યું હતું, એટલે કે નવા નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં નકારાત્મક ગ્રોથ જોવા મળ્યો હતો.

ગયા મહિને મિનરલ ઓઇલ, બેઝિક મેટલ, ફૂડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ, નોન-ફૂડ આર્ટિકલ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસની સાથે-સાથે કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સની કિંમતોમાં ઘટાડાને પગલે મોંઘવારીના દરમાં ઘટાડો નોંધાયો હતો.મે મહિનામાં ફૂડ ઇન્ડેક્સના મોંઘવારી દરમાં 1.59 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો, જ્યારે પ્રાઇમરી આર્ટિકલ્સના મોંઘવારી દરમાં 1.79 ટકાનો નકારાત્મક ગ્રોથ નોંધાયો હતો. મે મહિનામાં ફ્યુઅલ અને વીજની મોંઘવારીમાં 9.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે ઉત્પાદિત ઉત્પાદનોના મોંઘવારી દરમાં પણ 2.97 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો

દેશમાં મે મહિનામાં રિટેલ મોંઘવારી ગર ઘટીને બે વર્ષના નીચલા સ્તરે આવી ગયો હતો. ગયા મહિને રિટેલ મોંઘવારી દર 4.25 ટકાના સ્તરે હતો, જે એપ્રિલમાં 4.7 ટકા પર રહ્યો હતો. રિટેલ મોંઘવારી દર હાલ RBIના ફુગાવાના લક્ષ્યાંક 2-6 ટકાની વચ્ચે છે. મધ્યસ્થ બેન્ક વ્યાજદરોની સમીક્ષા કરતી વખતે ફુગાવાના દરને ખાસ ધ્યાનમાં લે છે અને બેન્કે આ વખતે પણ દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખ્યા હતા.