નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂરુ થયું છે. રાજ્યની બધી 288 વિધાનસભા સીટો પર મતદાન થયું છે. આ વખતે કુલ 4136 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં સાંજે છ કલાક સુધી 58 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં ગઢચિરોળીમાં સૌથી વધુ મતદાન 69 ટકા થયું હતું, જ્યારે મુંબઈમાં સિટીમાં સૌથી ઓછું મતદાન થયું હતું.
આ સાથે ઝારખંડમાં બીજો તબક્કામાં 67.59 ટકા મતદાન થયું હતું. આ સાથે ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પૂરી થઈ ચૂકી છે, જેમાં કરહલ, કુંદરકી, સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર, મઝવાં, મીરાપુર અને ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન થયું હતું.
મહારાષ્ટ્રમાં સાંજે છ સુધી અહમદનગર 61.95 ટકા, અકોલા 56.16 ટકા, અમરાવતી 58.48 ટકા, ઔરંગાબાદ 60.83 ટકા, બીડ 60.62 ટકા, ભંડારા 65.88 ટકા, બુલઢાણા 62.84 ટકા, ગઢચિરોળી 69.63 ટકા, લાતુર 61.43 ટકા પાલઘર 59.31 ટકા, સાંગલી 6328 કોલ્હાપુર 59.53 ટકા, મુંબઈ શહેર 49.07 ટકા, મુંબઈ ઉપનગર 51.76 ટકા, નાગપુર 56.06 ટકા, નાસિક 59.85 ટકા, પુણે 54.09 ટકા, રત્નાગિરિ 60.35 ટકા અને થાણેમાં 49.76 ટકા મતદાન થયું છે.
મહારાષ્ટ્રમાં અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, CM એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. આ સાથે બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામો 23મીએ જાહેર કરાશે. બીજી તરફ ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી.
ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના CM હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું હતું, જેમાં 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે.