નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ લખેલું પુસ્તક અંગે એક પ્રકાશક કહી રહ્યો છે કે પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી, પરંતુ ખુદ નરવણેએ 2023માં ટ્વીટ કરીને પુસ્તક ખરીદવા માટે લિંક શેર કરી હતી. સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને જનરલ નરવણે પર વિશ્વાસ છે અને તેમની પુસ્તકમાં એવી કેટલીક વાતો છે, જે સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અસુવિધાજનક હોઈ શકે છે.
રાહુલ ગાંધીએ નરવણેનો જૂનો ટ્વીટ બતાવ્યો
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણે (નિવૃત્ત)ના અપ્રકાશિત પુસ્તકની કથિત સર્ક્યુલેશનની તપાસ માટે દાખલ થયેલી FIR મુદ્દે રાહુલ ગાંધીએ મિડિયાને નરવણેનો એક જૂનો ટ્વીટ બતાવ્યો. તેમાં નરવણેએ લખ્યું હતું કે મિત્રો, મારું પુસ્તક હવે ઉપલબ્ધ છે. આ લિંક ફોલો કરો. હકીકતમાં, જનરલ મનોજ નરવણેએ 15 ડિસેમ્બર, 2023એ ટ્વીટ કર્યું હતું. તેમણે પેંગ્વિનનો ટ્વીટ પણ શેર કર્યો હતો, જેમાં પુસ્તકને પ્રી-ઓર્ડર કરી શકાય તેવી માહિતી આપવામાં આવી હતી.
રાહુલ ગાંધી બોલ્યા, મને જનરલ નરવણે પર વિશ્વાસ છે
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને પેંગ્વિન કરતાં નરવણે પર વધારે વિશ્વાસ છે. તમને કોના પર વિશ્વાસ છે? મને લાગે છે કે નરવણેના પુસ્તકમાં એવી કેટલીક બાબતો છે જે ભારત સરકાર અને વડા પ્રધાન માટે અસુવિધાજનક હોઈ શકે છે. એટલે નક્કી કરવું પડશે કે સાચું કોણ બોલે છે — પેંગ્વિન કે ભૂતપૂર્વ આર્મી ચીફ.
પેંગ્વિન ઇન્ડિયાની સ્પષ્ટતા
પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ નિવેદન જારી કરીને જણાવ્યું કે ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ. એમ. નરવણેના પુસ્તકના પ્રકાશનના અધિકાર તેમની પાસે છે. પ્રકાશકે કહ્યું હતું કે પુસ્તક હજી પ્રકાશિત થયું નથી અને તેની કોઈ પણ પ્રિન્ટ અથવા ડિજિટલ નકલ પ્રકાશિત, વહેંચાયેલી કે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
VIDEO | Delhi: On row over unpublished book by former Army Chief General MM Naravane, Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi) says, “MM Naravane has posted on ‘X’(formerly Twitter) saying, ‘Hello friends, my book is available now. Follow the link. Happy reading’. Either MM… pic.twitter.com/TPuakCz4Y4
— Press Trust of India (@PTI_News) February 10, 2026
દિલ્હી પોલીસ કરી રહી છે તપાસ
દિલ્હી પોલીસે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ અને ન્યૂઝ ફોરમ પર મળેલી માહિતીની નોંધ લીધી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ પુસ્તકની પ્રી-પ્રિન્ટ નકલ શેર કરવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલે “હજુ મંજૂરી ન મળેલા પ્રકાશનના કથિત લીક/ભંગ મામલે કેસ દાખલ કર્યો છે. પોલીસે પ્રી-પ્રિન્ટ નકલ મળવાના દાવાઓની તપાસ શરૂ કરી છે.




