‘મનને સમજવામાં શાણપણ છે, સાર છે’

મુંબઈઃ ‘આપણું મન એ એક આભાસી તત્વ હોવા છતાં આપણા જીવનરથને હંકારવા માટેનું એક અનિવાર્ય સાધન છે. આપણા મન ઉપર જન્મોજનમનાં સંસ્કારોની અસર હોય છે એટલે દરેક માનવીનું મન એમાં રહેલા સંસ્કારને આધારે જુદી જુદી રીતે કાર્ય કરે છે. આને સમજવામાં શાણપણ છે, ડહાપણ છે અને સાર પણ છે.’

“મારું મન છે” – એવું આપણે કહીએ છીએ. “મારુ મન” કહીએ છીએ, પરંતુ “હું મન છું” – એમ નથી કહેતા. આમ ‘હું’ અને ‘મારું મન’ બંને એક નથી. આપણે જે અનુભવીએ છીએ તે આપણાથી જુદું છે. આમ તો એક જ મન કે અંત:કરણ છે પરંતુ એની ભૂમિકા પ્રમાણે એના ચાર નામો છે – ચિત્ત, બુધ્ધિ, સ્મૃતિ અને અહમ. આ બધું વ્યક્તિદીઠ અલગ-અલગ હોય છે.” આ શબ્દો છે, કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ)ના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહના.

કેઈએસની ટી.પી. ભાટિયા કોલેજના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એફડીપી) હેઠળ તાજેતરમાં ‘માઈન્ડ ધ માઈન્ડ’ વિષય પર અધ્યાપકોને સંબોધતી વખતે મહેશ શાહે ઉપર મુજબના શબ્દો કહ્યા હતા.

એમણે વધુમાં કહ્યું, ‘જન્મ, મૃત્યુ, પુનર્જન્મ એ અવિરત ચક્ર છે, પરંતુ આ ઘટનાને વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય એમ નથી. દરેક જન્મોના કર્મ પ્રમાણે વ્યક્તિનાં સંસ્કારો જન્મ વખતે મન સાથે જ આવે છે. પરંતુ આ કર્મોને હિસાબી ખાતાવહીની જેમ ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સની તર્જ ઉપર ગણી શકાય એમ પણ નથી.’ આવા ગહન વિષયને મહેશ શાહે ન કેવળ સરળ રીતે સમજાવ્યો, પરંતુ આ વિષય ઉપરના એમનાં ઊંડા જ્ઞાન અને સમજને કારણે બંધબેસતા ઉદાહરણો અને ટૂચકાઓના માધ્યમથી એમણે વિષયને ખૂબ રસપ્રદ બનાવી દીધો હતો.

માનવીનો ‘સ્વ-ભાવ’ અને આંતરખોજ

તેમણે સમજાવ્યું કે, ‘દરેક મનુષ્યનો ‘સ્વભાવ’ આનંદ-સુખ જ છે. દરેક જીવ સતત આ સ્વ-ભાવને પામવા ઈચ્છે છે એટલે જ તો જીવન એ સુખની શોધ કરવાનો એક કોયડો બનીને રહી જાય છે. પરંતુ આપણી પોતાની અમર્યાદિત ઈચ્છાઓને કારણે આપણે ભાગ્યે જ આનંદિત અવસ્થામાં રહી શકીએ છીએ. જીવનમાં બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે નહીં એ હકીકત આપણે જો સ્વીકારી શકીએ તો જ સુખની શોધમાં સફળતા મળી શકે.’ સિક્કાની બીજી બાજુ બતાવતા એમણે કહ્યું કે, ‘અમુક ઈચ્છાઓ પૂરી થઈ પણ જાય તો પણ એનો આનંદ ટૂંકજીવી નીવડે છે, કેમ કે તરત જ બીજી નવી ઈચ્છાઓનો પટારો ખૂલી જાય છે અને આનંદની ભરતીનો અનુભવ ખોટની અનુભૂતિમાં ફેરવાઈ જાય છે. વ્યક્તિની એષણાઓ અને એમને પૂરી કરવાની ક્ષમતાઓ વચ્ચે વિષમ પ્રમાણ છે એટલે કે ‘ઈનવર્સ પ્રોપોર્શન’ છે. બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે એવું માનવું, એ મૃગજળને પામી શકાય છે એવું માનવા બરોબર છે. એટલે જ આંતરખોજ કરવાની જરૂર છે.’

મહેશભાઈએ એક સરસ વાત કરતા કહ્યું કે, “ચહેરા ઉપર ક્ષણિક હાસ્યવાળી સેલ્ફી લેવાને બદલે જો કોઈ પોતાના આંતરમનનો ફોટો લઈને ખરા અર્થમાં અંત:કરણને કેળવી શકે તો પોતાના ચહેરા ઉપર શાશ્વત હાસ્ય લાવી શકે અને સાચા સુખની પ્રાપ્તિનો દાવો કરી શકે.’ એક ગહન વિષયની બારીકાઈથી કરેલી સમજાવટ મહેશ શાહની આ વિષય ઉપરની ઊંડી સમજ દર્શાવે છે.