ભારતીય જનતા યુવા મોરચાએ મોરચો કાઢ્યો; 40ની-અટકાયત

મુંબઈઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જમીનની ખરીદીમાં કથિતપણે કૌભાંડ કરાયું હોવાના વિવાદને કારણે કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી અને વિરોધપક્ષો વચ્ચે થોડીક તંગદિલી ઊભી થઈ છે. દેશભરમાં બંને પક્ષના નેતાઓ વચ્ચે ચકમક ઝરી રહી છે. જોકે ભાજપ પક્ષે આ મુદ્દાથી પોતાને દૂર રાખ્યો છે.

ભાજપ વિરુદ્ધ કમેન્ટ કરનાર વિરોધપક્ષોમાંની એક છે શિવસેના પાર્ટી. અયોધ્યામાં રામ મંદિર બાંધકામ માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આરોપ વચ્ચે શિવસેનાએ માગણી કરી છે કે રામજન્મભૂમિ ટ્રસ્ટ તથા અન્ય નેતાઓ આ મુદ્દે સ્પષ્ટતા કરે. પરંતુ, ભાજપમાં એને કારણે રોષ ફેલાયો છે અને આજે મુંબઈમાં, પાર્ટીની યુવા પાંખ – ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓએ દાદરમાં શિવસેના ભવનની બહાર દેખાવો કર્યા હતા. શિવસૈનિકો અને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ વચ્ચે થોડીક ઝપાઝપી પણ થઈ હતી અને પોલીસે દરમિયાનગીરી કરીને યુવા મોરચાના 40 જેટલા કાર્યકરોને અટકમાં લીધા હતા.