‘પદ્માવતી’ની રિલીઝ રોકવા મુંબઈ ભાજપાની સ્મૃતિ ઈરાનીને વિનંતી

મુંબઈ – ભારતીય જનતા પાર્ટીના મુંબઈ એકમે આગામી બોલીવૂડ ફિલ્મ ‘પદ્માવતી’ની રિલીઝને રોકવા માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીની મદદ માગી છે. મુંબઈ ભાજપ એકમે એવો દાવો કર્યો છે કે આ ફિલ્મમાં ઐતિહાસિક હકીકતોને વિકૃત રીતે રજૂ કરવામાં આવી છે અને તેથી જો ફિલ્મ રિલીઝ થશે તો હિન્દુ લોકોની લાગણી દુભાશે.

ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ‘પદ્માવતી’ ફિલ્મે ભારે વિવાદ જગાવ્યો છે. રાજસ્થાનમાં રાજપૂત સંગઠનોએ એવો દાવો કર્યો છે કે ભણસાલીએ હકીકત સાથે ચેડાં કર્યા છે.

દીપિકા પદુકોણ, શાહિદ કપૂર, રણવીર સિંહ અભિનીત ‘પદ્માવતી’ ફિલ્મ આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

મુંબઈ ભાજપના મહામંત્રી અમરજીત મિશ્રાએ જણાવ્યું છે કે પોતે સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ કરોડો હિન્દુઓના આત્મસમ્માનનું રક્ષણ કરવા તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને ફિલ્મની રિલીઝને અટકાવે.

મિશ્રાનું કહેવું છે કે દંતકથાસમા રાજપૂત રાણીને ફિલ્મમાં ખરાબ રીતે ચિતરવામાં આવ્યાં છે. એને કારણે ફિલ્મને જો રિલીઝ કરવા દેવામાં આવશે તો દેશમાં કરોડો હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચશે.

મિશ્રાએ એમ પણ કહ્યું કે ભણસાલી અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ કરી રહ્યા છે.

આ મહિને અગાઉ, મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન જયકુમાર રાવલે પણ ‘પદ્માવતી’ ફિલ્મમાં હકીકતની વાંધાજનક રીતે રજૂઆત કરવામાં આવી હોવાથી એની પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]