મુંબઈમાં 3, 4 જુલાઈએ મુસળધાર વરસાદની સંભાવના; ઓરેન્જ એલર્ટ ઘોષિત

મુંબઈઃ શહેરમાં 3, 4 જુલાઈના શુક્રવાર અને શનિવાર માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. આ બંને દિવસે અતિ ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ ઉપરાંત પડોશના થાણે અને પાલઘર જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ ઈસ્યૂ કરવામાં આવ્યું છે.

મુંબઈ તથા પડોશના જિલ્લાઓમાં આ વર્ષે ચોમાસાની ઋતુનું આગમન તો ક્યારનું થઈ ગયું છે, પરંતુ મુંબઈગરાઓને હજી સુધી મુસળધાર વરસાદનો અનુભવ થયો નથી. માત્ર એકાદ-બે દિવસ વરસાદ પડી ગયો હતો. પરંતુ એ સિવાય જૂન મહિનાનો ઘણો ખરો ભાગ કોરો ગયો હતો. હવે મુંબઈમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

આ સપ્તાહાંતે મુંબઈ તથા પડોશના વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારમાં અતિ મુસળધાર વરસાદ પડી શકે છે એવી પણ ચેતવણી આપી દેવાઈ છે.

મહારાષ્ટ્રના પશ્ચિમ સમુદ્રકાંઠે ગઈ 14 જૂને ચોમાસાએ મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. તે પછી માત્ર 18 જૂને જોરદાર વરસાદ પડ્યો હતો, પરંતુ એ સિવાય સતત ધોધમાર વરસાદની મુંબઈગરાઓ રાહ જોઈ રહ્યા છે. મુંબઈ મહાનગરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પણ વરસાદી પાણીની આવક થવી અત્યંત જરૂરી છે.