કોરોનાના કેસ વધવા માંડતા મુંબઈમાં ફરી રાતનો કર્ફ્યૂ લાગુ કરાયો

મુંબઈઃ દેશભરમાં એક તરફ અર્થતંત્રને હળવું કરવા માટે ‘અનલોક’નો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે બીજી બાજુ કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં, ખાસ કરીને પાટનગર મુંબઈમાં કોરોનાના કેસ ભયજનક રીતે વધવા માંડ્યા હોવાથી મુંબઈ પોલીસે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે શહેરભરમાં 144મી કલમ લાગુ કરી દીધી છે.

1973ના ક્રીમિનલ પ્રોસીજર કોડની આ કલમ આમ તો પાંચથી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ પોલીસના ઓર્ડરમાં જણાવાયું છે કે કોરોના ચેપનું જોખમ વધી જતાં મહાનગરપાલિકા દ્વારા ઘોષિત કન્ટેનમેન્ટ ઝોનમાં એકથી વધારે વ્યક્તિના ભેગા થવાની મનાઈ છે. જોકે આમાં આવશ્યક પ્રવૃત્તિઓ, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય તથા મેડિકલ ઈમરજન્સીને બાકાત રાખવામાં આવી છે.

મુંબઈના નાયબ પોલીસ કમિશનર પ્રણય અશોકે ઈસ્યૂ કરેલા ઓર્ડરમાં જણાવાયું છે કે શહેરમાં 15 જુલાઈ સુધી રાતે 9 વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ નિયમ લાગુ રહેશે. એક કે તેથી વધારે વ્યક્તિની અવરજવરની મનાઈ રહેશે. માત્ર આ સાત બાબતોને જ રાત્રી કર્ફ્યૂમાંથી બાકાત રાખવામાં આવી છેઃ

1. ઈમરજન્સી સેવાઓ

2. ફરજ પર રહેલા સરકારી તેમજ સેમી-સરકારી એજન્સીઓના અધિકારીઓ

3. અન્ન, શાકભાજી, દૂધ, રેશનિંગ, કરિયાણાની દુકાનો

4. મેડિકલ ઈમરજન્સીઓ

5. પત્રકારો

6. બંદર વિસ્તારો

7. ખાદ્યપદાર્થો, કરિયાણાની ચીજવસ્તુઓ તથા આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી

8. હોસ્પિટલો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ અને તેને સંબંધિત દુકાનો, પેથોલોજી લેબોરેટરીઝ, મેડિકલ અને નર્સિંગ કોલેજો

9. ટેલીફોન અને ઈન્ટરનેટ સેવાઓ

10. ઈલેક્ટ્રિસિટી, પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ એનર્જી સંબંધિત સેવાઓ

11. બેન્કિંગ, શેરબજાર, ક્લિયરિંગ કોર્પોરેશનો, શેરદલાલો

12. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી તથા IT સંબંધિત સેવાઓ, મહત્ત્વના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સેવા પૂરી પાડતા ડેટા સેન્ટરો.

13. ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ (આવશ્યક તથા બિન-આવશ્યક, બંને પ્રકારની ચીજવસ્તુઓ માટે)

14. પીવાના પાણીની સેવા અને સફાઈ-જાળવણી કાર્યો

15. ઉપર જણાવેલી તમામ આવશ્યક બાબતો સંબંધિત ગોડાઉન અને વેરહાઉસીસ

બીજી બાજુ, દુકાનો, બજારો, હજામતની દુકાનો, સ્પા, આઉટડોર કસરતની પ્રવૃત્તિઓ જેવી બિન-આવશ્યક પ્રવૃત્તિઓ માટે વ્યક્તિઓની અવરજવરને માત્ર જે-તે વિસ્તારની અંદર જ પરવાનગી રહેશે. બિન-આવશ્યક હેતુ માટે લાંબા અંતરે જવાની મનાઈ છે.

બુધવારાન આંકડા અનુસાર, મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના 77,658 કેસ નોંધાયા છે અને 4,556 જણના મૃત્યુ થઈ ચૂક્યા છે.