માર્ગ અકસ્માતોના ઈજાગ્રસ્તોને મળશે કેશલેસ સારવારની સુવિધા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતોમાં ઈજા પામનારા લોકો માટે ટૂંક સમયમાં કેશલેસ સારવારની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ દરેક કેસમાં મહત્તમ મર્યાદા 2.5 લાખ રૂપિયા રહેશે. ભારતમાં દર વર્ષે થતાં માર્ગ અકસ્માતના આંકડા જોતા આ યોજના ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે. દેશમાં દર વર્ષે લગભગ પાંચ લાખ માર્ગ અકસ્માતો થાય છે જે દુનિયામાં સૌથી વધુ છે.

દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોનાં મોત થાય છે જ્યારે ત્રણ લાખ લોકો અપંગ (ઈજાગ્રસ્ત) થઈ જાય છે. રાજ્યોના પરિવહન સચિવો અને કમિશ્નરોને મોકલવામાં આવેલા પત્રમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું કે કેશલેસ સારવારની યોજના માટે એક મોટર વાહન દુર્ઘટના ફંડ ઊભું કરવામાં આવે. માર્ગ દુર્ઘટના ફંડની સ્થાપના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સંશોધિત મોટર વેહિકલ એક્ટની મુખ્ય જોગવાઈઓ પૈકીની એક હતી.

માર્ગ દુર્ઘટનાના પીડિતોને કેશલેસ સારવાર પૂરી પાડવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA)ના મજબૂત આઈટી માળખાનો ઉપયોગ કરવામાં આવશે. પરિવહન મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં દરરોજ સરેરાશ 1200 માર્ગ અકસ્માત થાય છે અને લગભગ 400 લોકો પોતાના જીવ ગુમાવે છે.

માર્ગ દર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે ટ્રોમા અને હેલ્થકેર સેવાઓને એક ખાતાના માધ્યમથી ફંડ આપવામાં આવશે જેને યોજના લાગુ કરવા માટે પરિવહન મંત્રાલય હેઠળ સ્થાપિત કરવામાં આવશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો દુર્ઘટનાગ્રસ્ત ગાડીનો વીમો નહીં હોય તો વળતર તરીકે સારવારનો ખર્ચ ગાડી માલિકને આપવો પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]