રોકાણ, ઇનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પાવરહાઉસ બનશે વડોદરા

ગાંધીનગર: ડોદરા ખાતે 06 ડિસેમ્બર 2022ના રોજ સ્થાપિત થયેલું ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દેશની પ્રથમ અને એકમાત્ર ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કુશળ માનવસંસાધન તૈયાર કરવું તે સાંપ્રત સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. ગુજરાત સરકારે ઉદ્યોગ, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સર્જેલા વિકાસના કારણે વડોદરા નવી સંભાવનાઓનું કેન્દ્ર બની રહ્યું છે. આગામી સમયમાં વડોદરા ખાતે મધ્ય ગુજરાત વિસ્તાર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – થકી રાજ્યમાં રોકાણની તકો, નવીન આયામો અને ટેક્નોલોજી / સંશોધનો આધારિત વિકાસને વધુ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા ખાતે યોજાનારી આ VGRC રાજ્યની ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષમતાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.

વડોદરાના લાલબાગ વિસ્તારમાં સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માત્ર પરંપરાગત શિક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ ઉદ્યોગ, સંશોધન અને નવીનતાને એકસાથે જોડતી “ઇન્ડસ્ટ્રી ડ્રિવન એન્ડ ઇનોવેશન લેડ” એટલે કે ઉદ્યોગ-સંચાલિત અને નવીનીકરણ આધારિત સંસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. અહીંયા રેલવે, એવિએશન, મેરિટાઈમ, રોડ-હાઈવે, મેટ્રો રેલ, સપ્લાય ચેઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક કારકિર્દી માટે તૈયાર કરવામાં આવે છે. યુનિવર્સિટી કેમ્પસ આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, હોસ્ટેલ અને વધારાના બાંધકામ હેઠળના ઉદ્યોગ-સંકલિત તાલીમ માળખાથી સજ્જ છે.

ગતિશક્તિ યુનિવર્સિટી લાલબાગ (વડોદરા) ખાતે વર્તમાન કેમ્પસ ઉપરાંત વાઘોડિયા ખાતે એક અન્ય કેમ્પસ સ્થાપવાની પ્રક્રિયામાં છે. હાલમાં, સમગ્ર ભારતમાં 23થી વધુ રાજ્યોના 1,000થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક/માસ્ટર્સ/ડોક્ટરલ સ્તરે વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે, જે પરિવહન અને લોજિસ્ટિક્સ શિક્ષણ માટે એક મજબૂત રાષ્ટ્રીય ઇકોસિસ્ટમ સ્થાપિત કરશે. કેન્દ્ર સરકારના પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને નેશનલ લોજિસ્ટિક પોલિસી સાથે સંકળાયેલ અભ્યાસક્રમો દેશના વિકાસમાં સીધો સહયોગ આપે છે.

આ વિશ્વવિદ્યાલયમાં B.Tech, M.Tech, MBA અને Ph.D. સહિતના વિવિધ અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. AI અને ડેટા સાયન્સથી લઈને એવિએશન એન્જિનિયરીંગ તથા મેરિટાઇમ એન્જિનિયરીંગ સુધીના અભ્યાસક્રમો નવી પેઢીને ટેક્નોલોજી આધારિત અર્થતંત્ર માટે સજ્જ બનાવી રહ્યા છે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દર વર્ષે ભારતીય રેલવે, સંરક્ષણ દળો અને મિત્ર દેશોના 1100થી વધુ અધિકારીઓને વિશેષ એક્ઝિક્યુટિવ તાલીમ આપીને કુશળ માનવબળ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી. વિદ્યાર્થીઓને ભારતીય રેલવેની સેન્ટ્રલાઇઝ્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશિપ, લાઈવ પ્રોજેક્ટ્સ અને હેન્ડ્સ-ઓન લર્નિંગ દ્વારા પ્રાયોગિક અનુભવ પણ આપવામાં આવે છે. “નવીનતા-આધારિત અને ઉદ્યોગ-આધારિત” વિઝન સાથે, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એરબસ, પ્લાસર, L&T, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), સિમેન્સ, એમેઝોન, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), સિસ્ટમ્સ, એપ્લિકેશન્સ, એન્ડ પ્રોડક્ટ્સ ઈન ડેટા પ્રોસેસીંગ (SAP), કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII), નોકિયા, ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL), કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CONCOR), ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ અને મોનાશ યુનિવર્સિટી વગેરે સહિત અનેક વૈશ્વિક શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે સહયોગ થકી વૈશ્વિક સ્થાન મેળવેલ છે. એરબસ સેન્ટર ઓફ એક્સેલન્સ જેવી વ્યવસ્થા દ્વારા સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ આર.એન્ડ.ડી અને AI આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સ્માર્ટ મોબિલિટી અને લોજિસ્ટિક્સ જેવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તથા અનેક પેટન્ટ્સ અને સ્ટાર્ટઅપ રચના દ્વારા “આત્મનિર્ભર ભારત”ના વિઝનને વેગ આપવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર ડૉ. વેંકટ ચિંતલાને સસ્ટેનેબિલિટીના ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી વિકાસ માટે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાન્સપોર્ટ (ઓસ્ટ્રેલિયા) સાથેના તાજેતરના એમ.ઓયુ.એ ટ્રાન્સપોટેશન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં સંશોધન અને ટેકનોલોજી ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને એપ્લાઇડ રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત ઇન્ક્યુબેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ સ્થાપિત કરી છે.

ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એ પ્લેસમેન્ટ અને રોજગાર સર્જનમાં અસાધારણ અને સતત પ્રગતિ કરી છે. તેના કારકિર્દી વિકાસ કેન્દ્ર દ્વારા, 60 થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લીધો છે, જેમાં સિમેન્સ, અલ્સ્ટોમ, ટાટા કન્સલ્ટન્સી એન્જીનિયરિંગ, એલ એન્ડ ટી (L&T), કિનેટ, હિતાચી, મેર્સ્ક (Maersk), એનવાયકે ગ્રૂપ (NYK GROUP), જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ (JSL), જિંદાલ સાઉથ વેસ્ટ (JSW), ઈન્ડીકોલ્ડ (Indicold), આર્સેલા (ARCELA), ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL), રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (RITES), હિન્દુસ્તાન યુનિલિવર જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં, GSV એ 89% (2026) અને 91% (2025) ના દરે ઉત્તમ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ત્રણ દીક્ષાંત સમારોહ સફળતાપૂર્વક યોજ્યા છે.

આજે, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એ એક મુખ્ય રાષ્ટ્રીય સંસ્થા તરીકે વ્યાપકપણે સ્થાન મેળવેલ છે, તથા “ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ” પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રો માટે કુશળ માનવશક્તિનું નિર્માણ કરીને “વિકસિત ભારત @2047” ના વિઝનમાં નોંધપાત્ર ફાળો આપે છે.