સુશાંત આત્મહત્યા કેસઃ બિહારના કેસોમાં કરણ, સલમાન, એકતા આરોપી

પટનાઃ બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે બિહારના પટના અને મુઝફ્ફરપુરમાં સલમાન ખાન અને કરણ જોહર સહિત બોલિવુડની કેટલીક સેલિબ્રિટીઓની સામે કેસ નોંધવામાં આવ્યા છે. ત્યાર બાદ મંગળવારે હાજીપુરના ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં એક વધુ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત બોલિવુડથી સંલગ્ન આઠ જણને આરોપી બનાવવામાં આવ્યા છે.હાજીપુરમાં સલમાન-કરણ અને એકતા કપૂર પર કેસ

હાજીપુર નગર પોલીસ સ્ટેશનના પોખરા મોહલ્લાનિવાસી ડો. અજિત કુમારે CJM કોર્ટમાં એ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં ફિલ્મ અભિનેતા અને નિર્માતા-નિર્દેશક કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, દિનેશ વિજયદાન, T સિરીઝના ભૂષણકુમાર અને બાલાજી પ્રોડક્શનની એકતા કપૂરને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમની સામે છેતરપિંડી કરવા, પ્રતિષ્ઠા હનન કરવા, ધમકી આપવા અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપ લગાડવામાં આવ્યા છે.

કરણ અને સલમાનની ફિલ્મો પર આજીવન પ્રતિબંધની માગ

આ પહેલાં 19 જૂને સવર્ણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગવત શર્માએ પટનાની CJM કોર્ટમાં સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, સાજિદ નડિયાદવાલા સહિત અન્ય કેટલાક પર કેસ કર્યા હતા. એમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને ષડયંત્ર હેઠળ અનેક ફિલ્મોમાંથી બહાર કઢાયો હતો. આ કેસમાં માગ કરવામાં આવી છે કે બિહારમાં કરણ જોહર અને સલમાન ખાનની ફિલ્મો પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે.

મુઝફ્ફપુરમાં નોંધાયેલા કેસની સુનાવણી ત્રીજી જુલાઈએ

પટનાના કેસ અગાઉ મુઝફ્ફરપુરમાં સુધીર કુમાર ઓઝા નામના એક વકીલે સલમાન સહિત આઠ વ્યક્તિ પર કેસ નોંધાવ્યો હતો. તે કેસમાં તેમના પર સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસનો કોર્ટે સ્વીકાર કર્યો છે, જેના પર આગામી સુનાવણી ત્રીજી જુલાઈએ થશે.