નવી દિલ્હીઃ વિશ્વનાં બજારોમાં ક્રૂડ ઓઇલનું આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ (Brent) અચાનક ઊછળીને પ્રતિ બેરલ 120 ડોલર પાર પહોંચ્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આ તેજી સામાન્ય નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઉછાળાનું મુખ્ય કારણ અમેરિકા અને ઇરાન વચ્ચે વધતો ભૂરાજકીય તણાવ છે. ખાડી દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અને સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિએ રોકાણકારો અને ઓઇલ કંપનીઓમાં ગભરાટ ફેલાવ્યો છે. ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી ઓઇલ કંપનીઓ પર ભાર વધે છે, જેને કારણે હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, જ્યાં બંને દેશ પોતાની શરતો પર અડગ છે. ઇરાન પાછળ હટવા તૈયાર નથી અને ટ્રમ્પ પ્રશાસન પણ બ્લોકેડ હટાવવા તૈયાર નથી. આ દરમિયાન ફેડરલ રિઝર્વે વ્યાજદર 3.5 ટકાથી 3.75 ટકા વચ્ચે સ્થિર રાખ્યા છે. એ સાથે જ UAE દ્વારા OPEC અને OPEC+માંથી બહાર નીકળવાના સંકેતોથી બજારમાં અનિશ્ચિતતા વધી છે. આ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે અને ગુરુવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ત્રણ ડોલર વધીને 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે.
બ્લોકેડનો ભય
અમેરિકા હવે ઇરાનની લાંબા સમય સુધી ઘેરાબંધી (Blockade) કરવાની યોજના બનાવી રહ્યું છે, જેને કારણે ક્રૂડ ઓઇલના બજારમાં ભારે ઊથલપાથલ સર્જાઈ છે. આ તણાવની સીધી અસર બુધવારે જોવા મળી, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર પાર પહોંચી ને થોડા સમય માટે 122 ડોલર પ્રતિ બેરલ સુધી ગયું. બીજી તરફ, ઇરાને પણ આકરું વલણ દાખવ્યું છે અને ચેતવણી આપી છે કે તે અમેરિકન પ્રતિબંધોના જવાબમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી પસાર થતા ઓઇલના જહાજોની અવરજવર રોકી શકે છે, જે વૈશ્વિક તેલ સપ્લાય માટે મોટું જોખમ છે.




