પાલઘરમાં ધોધ પરથી સેલ્ફી લેવા જતાં પાંચ યુવકો ડૂબી ગયા

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના જવ્હાર નગર નજીકના કાળમાંડવી ધોધમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરવા જતાં પાંચ જણના ડૂબી જવાની દુર્ઘટના સર્જાઈ છે. પાંચેય મૃતક યુવા મિત્રો હતા અને જવ્હાર નગરના અંબિકા ચોક મોહલ્લાના રહેવાસીઓ હતા.

આ ઘટના ગુરુવારે બપોરે બની હતી. 13 મિત્રોનું એક ગ્રુપ જવ્હાર નગરની હદની બહાર, 7 કિ.મી. દૂર આવેલા ધોધના સ્થળે ફરવા ગયું હતું. સેલ્ફી લેવા જતાં એમાંના બે જણ 50 ફૂટની ઊંચાઈ પરથી લપસીને ધોધની નીચે તળાવમાં પડ્યા હતા. એમને બચાવવા માટે બીજા ત્રણ જણે છલાંગ લગાવી હતી. પરંતુ ઘટનામાં એ પાંચેય જણ ડૂબી ગયા હતા.

અન્ય મિત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસો નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સના જવાનોની એક ટૂકડીની સાથે ત્યાં પહોંચ્યા હતા. મોડી સાંજે તળાવમાંથી પાંચેય જણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

કાળમાંડવી ધોધ ઘણો મોટો અને ઊંડો છે. યુવકોને એની ઊંડાઈનો અંદાજ નહોતો.

પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

મૃતકોના નામ છેઃ દેવેન્દ્ર વાઘ (28), પ્રથમેશ ચવ્હાણ (20), દેવેન્દ્ર ફલટણકર (19), નિમેશ પાટીલ (28) અને રિંકુ ભોઈર (22).