મુંબઈમાં ફડચામાં ગયેલી 104 વર્ષ જૂની CKP સહકારી બેન્કમાં લિક્વિડેશન પ્રક્રિયા શરૂ

મુંબઈઃ મરાઠી મધ્યમવર્ગનાં લોકો માટેની બેન્ક ગણાતી અને 104 વર્ષ જૂની સી.કે.પી. કોઓપરેટિવ બેન્કનું લાઈસન્સ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગયા એપ્રિલ મહિનામાં રદ કરી દીધું છે. RBIના નિર્ણયને રદબાતલ કરવાની અરજીને મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આને કારણે બેન્કની રૂ. 485 કરોડની ફિક્સ્ડ ડિપોઝીટ્સ ફસાઈ ગઈ છે.

મુંબઈ સ્થિત અને મુંબઈ તથા પડોશના થાણે શહેરમાં કુલ આઠ શાખા અને આશરે સવા લાખ ખાતેદારો ધરાવતી સી.કે.પી. બેન્કના ખાતેદારોને એમના ખાતામાંથી વધુમાં વધુ પાંચ રૂપિયા ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.

બેન્કને નવી ડિપોઝીટ સ્વીકારવા અને નવી લોન આપવા સામે રિઝર્વ બેન્કે 2014ના એપ્રિલથી મનાઈ ફરમાવી દીધી છે.

છેલ્લા બે વર્ષમાં આ બેન્કને પુનર્જિવીત કરવા માટે ડિપોઝીટરોના એક જૂથે પ્રયાસ કર્યો હતો.

બેન્કના સંચાલકોમાંના અમુક સભ્યોના ગેરવહીવટને કારણે બેન્ક આર્થિક સંકટમાં આવી ગઈ છે.

બેન્કિંગ નિયમન કાયદાની કલમ 22 અને 76 અન્વયે રિઝર્વ બેન્કે સીકેપી સહકારી બેન્કનું લાઈસન્સ રદ કર્યું છે.

બેન્કે તેના ખાતેદારોને વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે અને એ વિશે અખબારોમાં જાહેરખબર આપી છે. એ માટે ખાતેદારોએ પોતપોતાનું આધાર કાર્ડ, પેન કાર્ડ, મતદાન ઓળખપત્ર આ પૈકી KYC માહિતી બેન્કની નજીકની શાખામાં જઈને સુપરત કરવાની રહેશે.

બેન્ક દ્વારા લિક્વિડેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

DICGC (Deposit Insurance and Credit Guarantee Corporation) એક્ટ, 1961 અનુસાર, જે કોઈ બેન્ક ફડચામાં જાય કે દેવાળું ફૂંકે તો પ્રત્યેક ખાતેદારને એના ખાતા આધારિત પૈસા પાછા મળે. ખાતેદારોને ડિપોઝીટની રકમ ઉપર પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો ઉતારવામાં આવે છે. તેથી એને વધુમાં વધુમાં પાંચ લાખ રૂપિયા મળી શકે.

DICGC અંતર્ગત 2098 બેન્કો આવેલી છે, જેમાં 1941 સહકારી બેન્કો છે.