મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના આજે સ્થાપનાદિન નિમિત્તે પક્ષના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર તેની પાંચ-વર્ષની મુદત પૂરી કરશે જ અને આ ગ્રુપના ત્રણેય પક્ષ – એનસીપી, શિવસેના અને કોંગ્રેસ, રાજ્યમાં આગામી લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને જ લડશે.
પવારના નેતૃત્ત્વવાળી એનસીપી પાર્ટીએ આજે 10 જૂને તેની સ્થાપનાના 22 વર્ષ પૂરા કર્યા છે. મહારાષ્ટ્રમાં 2019ના ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય પ્રધાન પદની વહેંચણીના મુદ્દે ભાજપ સાથે અણબનાવ થયા બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના પક્ષે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)નો સાથ છોડી દીધો હતો અને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. ત્રણેય પાર્ટીએ રચેલા મહાવિકાસ આઘાડી જૂથે 2019ના નવેમ્બરમાં રાજ્યમાં સત્તા સંભાળી હતી અને ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા હતા. સૌથી વધારે બેઠક જીતવા છતાં ભાજપને વિરોધપક્ષમાં બેસવું પડ્યું.
