દહિસરમાં બેન્ક લૂંટી, હત્યા કરી; પિતરાઈ-ભાઈઓની ધરપકડ

મુંબઈઃ અહીંના દહિસર (વેસ્ટ) ઉપનગરની ગુરુકુલ સોસાયટીમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં ગઈ 29 ડિસેમ્બરે બપોરે ત્રાટકેલા અને રૂ. અઢી લાખની લૂંટ કરીને તથા કોન્ટ્રાક્ટ પરના એક કર્મચારીની ગોળી મારીને હત્યા કરીને ભાગી ગયેલા બે બુકાનીધારી ગુનેગારની પોલીસે ધરપકડ કરી છે. આ બંને જણ પિતરાઈ ભાઈઓ છે. એમણે યૂટ્યૂબ પર બેન્ક લૂંટનો એક વિડિયો જોઈને દહિસરની એસબીઆઈ શાખામાં લૂંટ કરી રાતોરાત ધનવાન બની જવાનો પ્લાન ઘડ્યો હતો. આ બંને આરોપીના નામ છે ધર્મેન્દ્ર યાદવ (21) અને વિકાસ યાદવ (19). બંને જણ ઉત્તર પ્રદેશના ભદોહીના રહેવાસી છે. તેઓ 10 દિવસ પહેલા જ મુંબઈ આવ્યા હતા. ધર્મેન્દ્રએ રૂ. 40,000 રૂપિયા ખર્ચીને બિહારમાંથી પિસ્તોલ ખરીદી હતી.

બંને જણ બપોરના સમયે ત્રાટક્યા હતા ત્યારે બેન્કના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે ચોકીદાર નહોતો. ગ્રાહકો માટે બેન્ક બંધ થઈ ગઈ હતી. અંદર સાતેક કર્મચારીઓ હતા. બંને જણે અમુક દિવસો સુધી બેન્કનો અભ્યાસ કર્યો હતો અને એમને ખબર પડી હતી કે બેન્કનો કોઈ ચોકીદાર જ નહોતો. પ્લાન મુજબ, 29 ડિસેમ્બરની બપોરે 3.27 વાગ્યે બંને જણ બેન્કમાં ઘૂસ્યા હતા. એમને ઘૂસતા જોઈને કર્મચારી સંદેશ ગોમાને (25) એની સીટ પરથી ઊભો થઈ ગયો હતો અને એમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધર્મેન્દ્ર યાદવે તરત જ પિસ્તોલમાંથી ખૂબ નજીકથી સંદેશની છાતીમાં ગોળી મારી દીધી હતી. એ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. ધર્મેન્દ્રએ બાદમાં કેશિયર તરફ બેગ ફેંકી હતી અને વિકાસ પાછળથી કેશિયરના ટેબલ પાસે ગયો હતો અને ડ્રોઅરમાંથી રોકડ રકમ કાઢીને બેગમાં ભરી હતી. બંને જણ ગુના કરીને બે જ મિનિટમાં જ ત્યાંથી ભાગી ગયા હતા. આ આખી ઘટના બેન્કમાંના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. દહિસર પોલીસે બંનેને પકડવા માટે આઠ ટૂકડી બનાવી હતી. દહિસર પૂર્વના રાવલ પાડા વિસ્તારમાં મૂકેલા સીસીટીવીમાં પણ બંને ગુનેગાર જોવા મળ્યા હતા. બંને જણ ત્યાંથી કિસાન ચાલમાં પ્રવેશ્યા હતા. પોલીસે ત્યાંથી એમને પકડ્યા હતા.