આજથી 144મી-કલમ લાગુ; 7-જાન્યુઆરી સુધી અમલમાં રહેશે

મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ખૂબ વધી જતાં જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર, મુંબઈ પોલીસે શહેરભરમાં આજથી 144મી કલમ લાગુ કરી દીધી છે, જે 7મી જાન્યુઆરી, 2022 સુધી અમલમાં રહેશે. ક્રીમિનલ પ્રોસિજર કોડ (સીપીસી)ની કલમ-144 ત્યારે લાગુ કરાય છે જ્યારે વહીવટીતંત્રને એમ લાગે કે શહેરમાં સલામતીની વ્યવસ્થા કે કાયદો-વ્યવસ્થા પર જોખમ છે. એવી સંભાવનાને ધ્યાનમાં લઈને સંબંધિત વિસ્તારમાં પાંચ કે તેથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકાય છે. આ માટેનું નોટિફિકેશન જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર પાડે છે. કાયદાની આ કલમ 1973માં ઘડવામાં આવી હતી. આ કલમ હેઠળ કોઈ પણ પ્રકારના શસ્ત્રો (લાઠી સહિત)ના ટ્રાન્સપોર્ટેશન ઉપર પણ નિયંત્રણ હોય છે. ચોક્કસ વિસ્તારમાં ઈન્ટરનેટ એક્સેસ, એસએમએસ, લેન્ડલાઈન ફોન સેવાને રોકવાની પણ સત્તાવાળાઓને સત્તા હોય છે. આ કલમનો મૂળ ઉદ્દેશ્ય નિયમિત જનજીવનને ખોરવી નાખે એવી મુશ્કેલીને રોકી ત્યાં શાંતિ અન વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો હોય છે. રસ્તાઓ પર અફવા ફેલાવવા પર અને રસ્તા પર અવરજવર રોકવા ઉપર કડક પ્રતિબંધ રહે છે. આ કલમ હેઠળ સંબંધિત વિસ્તારમાં રેલી, મોરચા, સરઘસ, સભાનું આયોજન કરવા દેવાતું નથી.

પોલીસે આ ઉપરાંત નવા વર્ષની ઉજવણી, પાર્ટીઓ યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આવી પાર્ટીઓ બંધબારણે કે રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, બીયર બાર, પબ્સ, રિસોર્ટ્સ અને ક્લબ્સ સહિત ખુલ્લી જગ્યાઓએ પણ યોજી નહીં શકાય. આ પ્રતિબંધ 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.