15-જાન્યુઆરી સુધી દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુંબઈમાં 15 જાન્યુઆરી સુધી સાંજે પાંચથી સવારે પાંચ વાગ્યા સુધી દરિયાકિનારાઓ, સી ફેસ, બાગ-બગીચાઓની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ આદેશનું પાલન કરવાનું મુંબઈ પોલીસને જણાવવામાં આવ્યું છે.

મુંબઈમાં પોલીસે ક્રીમિનલ પ્રોસીજર કોડની કલમ 144 લાગુ કરી દીધી છે. જે અંતર્ગત દરિયાકાંઠા, ખુલ્લા મેદાનો, સી ફેસ, પ્રોમીનેડ્સ, ઉદ્યાનો, બાગ-બગીચા કે એવા અન્ય જાહેર સ્થળોએ જવા પર 15 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે પાંચથી સવારે પાંચ વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઓપરેશન્સ) એસ. ચૈતન્યએ આ ઓર્ડર ઈસ્યૂ કર્યો છે, જે શુક્રવાર 31 ડિસેમ્બરના બપોરે એક વાગ્યાથી અમલમાં આવ્યો છે અને 15 જાન્યુઆરી સુધી અથવા તેને વહેલો પાછો ખેંચી લેવાય ત્યાં સુધી અમલમાં રહેશે.