તેલંગણાના CM રાવ મુંબઈમાં ઠાકરે, પવારને મળ્યા

મુંબઈઃ તેલંગણા રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ પહેલી જ વાર મુંબઈ આવ્યા છે. ભાજપ સામે રાષ્ટ્રીય સ્તરે જંગ ખેલવા માટે એ સમાન વિચારસરણી ધરાવતા પક્ષોનો એક સંયુક્ત મોરચો બનાવવા માગે છે. આજે તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ત્યારબાદ રાજ્યમાં સંયુક્ત સરકારની એક ભાગીદાર – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને પણ મળ્યા હતા. રાવ એમના સાથી પ્રધાનો તથા એમની પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના નેતાઓ સાથે આવ્યા છે. ઠાકરે એમને સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે મળ્યા હતા. બંનેએ સાથે લંચ લીધું હતું. ઠાકરે સાથે પણ એમના સાથી પ્રધાનો હતા.

મીટિંગ બાદ રાવ અને ઠાકરેએ સાથે મળીને પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. ભાજપની ટીકા કરતાં રાવે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં પરિવર્તન આવશે. લોકશાહીનું રક્ષણ કરવાની જરૂર છે. મહારાષ્ટ્રએ એ દિશામાં ઘણો સરસ આરંભ કર્યો છે. અમારી આજની બેઠકનું ટૂંક સમયમાં જ સારું પરિણામ જોવા મળશે.

રાવે પરિવર્તન માટે ચર્ચા કરવા પ્રાદેશિક તથા રાષ્ટ્રીય સ્તરના અન્ય પક્ષોના નેતાઓ સાથે હૈદરાબાદ આવવાનું ઠાકરેને આમંત્રણ આપ્યું હતું. મહારાષ્ટ્ર અને તેલંગણા રાજ્યો 1,000 કિ.મી. લાંબી સરહદ ધરાવે છે.