મુંબઈ – લંડનમાં પર્યટકોમાં અતિ લોકપ્રિય થયેલું વિરાટ કદનું જે ‘લંડન આઈ’ જાયન્ટ વ્હીલ છે એવું મુંબઈ શહેરમાં ‘મુંબઈ આઈ’ મહારાષ્ટ્ર સરકાર બનાવવા માગે છે.
‘મુંબઈ આઈ’ જાયન્ટ વ્હીલ પરથી 800 ફૂટ ઊંચેથી મુંબઈનું દર્શન કરી શકાશે.
આ જાણકારી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આજે પત્રકારોને આપી હતી.
રાજ્ય સરકારે બાન્દ્રા-વરલી સી લિન્ક પાસે અને ટોલ પ્લાઝા પાસેની જગ્યામાં આ મહાકાય ઓબ્ઝર્વેશન વ્હીલ બનાવવાનું નક્કી કર્યું છે. આ મુદ્દે આજે રાજ્યની સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, લંડનમાં ‘લંડન આઈ’ ઓબ્ઝર્વેશન વ્હીલ થેમ્સ નદીના કાંઠે બનાવવામાં આવ્યું છે.
કોસ્ટલ રેગ્યૂલેશન ઝોન (CRZ) તથા અન્ય મંજૂરીઓ મેળવવામાં અવરોધ ઊભો ન થાય એવી જગ્યાએ ‘મુંબઈ આઈ’ બનાવવામાં આવશે, એમ અજીત પવારે પત્રકારોને જણાવ્યું.
‘મુંબઈ આઈ’ બંધાયા બાદ મુંબઈ તરફ પર્યટકોની સંખ્યા વધશે. આ ‘મુંબઈ આઈ’માંથી મુંબઈ શહેરનું વિહંગાવલોકન કરવાની પર્યટકોને અને મુંબઈગરાંઓને તક મળશે, એમ પણ પવારે કહ્યું.
‘લંડન આઈ’ ગગનચૂંબી જાયન્ટ વ્હીલ છે. એ 135 મીટર ઊંચું છે અને તે 1999ની 31 ડિસેંબરથી પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દર વર્ષે ‘લંડન આઈ’ જોવા માટે આશરે 35 લાખ પર્યટકો આવે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે શિવરી ઉપનગરમાં મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પ્રોજેક્ટના પ્રથમ ગર્ડર બેસાડવાના કામકાજનો શુભારંભ કરાવ્યો હતો.