ઈન્દિરા ગાંધી-કરીમ લાલા મળ્યાં હતાં: હાજી મસ્તાનના પુત્રની કબૂલાત

મુંબઈ – એક સમયે મુંબઈ શહેરના ડોન રહી ચૂકેલા હાજી મસ્તાને દત્તક લીધેલા પુત્ર સુંદર શેખરે એક સમાચાર સંસ્થાને કહ્યું છે કે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ મુંબઈના અન્ય ડોન કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી.

શેખરે કહ્યું કે માત્ર ઈન્દિરા ગાંધી જ નહીં, પણ બીજા અનેક મોટા નેતાઓ પણ કરીમ લાલાને મળતા હતા અને એમને ત્યાં આવતા હતા.

ઉલ્લેખનીય છે કે, ઈન્દિરા ગાંધી અને કરીમ લાલા વચ્ચે મુલાકાત થઈ હતી, ઈન્દિરા ગાંધી દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં જઈને ડોન કરીમ લાલાને મળવા જતાં હતાં, એવા શિવસેનાનાં રાજ્ય સભાના સદસ્ય અને મુંબઈસ્થિત નેતા સંજય રાઉતના નિવેદનને કારણે ખળભળાટ મચી ગયો છે.

જોકે સુંદર શેખરનું કહેવું છે કે રાઉતે કંઈ જ ખોટું નથી કહ્યું.

‘મારા પિતા (હાજી મસ્તાન) એક વેપારી હતા અને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે એમના સારા મિત્ર હતા. ઈન્દિરા ગાંધી કરીમ લાલાનાં મિત્ર હતાં જ્યારે બાલ ઠાકરે હાજી મસ્તાનનાં,’ એમ પણ શેખરનું કહેવું છે.

કરીમ લાલાનું આખું નામ હતું અબ્દુલ કરીમ શેર ખાન. એ મૂળ અફઘાનિસ્તાનનો હતા, પણ 60ના દાયકાથી લઈને 80ના દાયકાના આરંભ, એમ બે દાયકાથી પણ વધારે સમય સુધી એ મુંબઈના 3માંનો એક ડોન તરીકે હતો. અન્ય બે ડોન હતા – હાજી મસ્તાન (મસ્તાન મિર્ઝા) અને વરદરાજન મુદલિયાર.

હાજી મસ્તાન

સંજય રાઉતે એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે આજે અંડરવર્લ્ડ નબળું પડી ગયું છે, પણ અમે અંડરવર્લ્ડનો એ સમય જોયો છે જ્યારે હાજી મસ્તાન વટથી મંત્રાલય (સચિવાલય) જતો હતો અને લોકો એના સ્વાગત માટે બહાર ઊભા રહેતા હતા. મુંબઈમાં પોલીસ કમિશનર કોણ બને અને મંત્રાલયમાં કોની નિમણૂક કરવી એ નિર્ણય દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, શરદ શેટ્ટી જેવા અન્ડરવર્લ્ડના લોકો લેતા હતા. હાજી મસ્તાદ મંત્રાલયમાં જતો ત્યારે આખું મંત્રાલય એને જોવા માટે નીચે ભેગું થઈ જતું હતું.

સંજય રાઉત

સંજય રાઉતે ગઈ કાલે પુણેમાં એક પુરસ્કાર સમારંભ દરમિયાન એક મરાઠી અખબારને આપેલી મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે હું દાઉદ ઈબ્રાહિમને મળતો હતો. મેં 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમને ફોન કર્યો હતો એને ખૂબ દબડાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કરીમ લાલા 1960-80 દરમિયાન મુંબઈમાં ગેરકાયદેસર શરાબ, જુગાર અને ધાકધમકીથી રકમ પડાવવાનો ધંધો કરતો હતો.

દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં મહેસૂલ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે કહ્યું છે કે ભારત રત્ન ઈન્દિરા ગાંધી વિશે કરેલું નિવેદન સંજય રાઉતે પાછું ખેંચી લીધું છે. આ વિવાદનો હવે અહીંયા જ અંત આવી જવો જોઈએ. પરંતુ ભવિષ્યમાં રાઉતે આપણા નેતાઓનું માન જાળવીને આવા બેજવાબદાર અને અસંબદ્ધ નિવેદનો કરવાનું ટાળવું, કારણ કે આવું જરાય સાંખી નહીં લેવાય.