મુંબઈમાં સેક્સ કૌભાંડનો પર્દાફાશ; 3 અભિનેત્રીને બચાવી લેવાઈ

મુંબઈ – શહેરની પોલીસે ફરી એક વાર ત્રાટકીને હાઈ પ્રોફાઈલ સેક્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ અંધેરી ઉપનગરમાં એક થ્રી-સ્ટાર હોટેલમાં ચલાવવામાં આવતું હતું.

પોલીસે આ દરોડામાં એક મહિલાને અટકમાં લીધી છે અને ત્રણ અભિનેત્રીઓને ઉગારી લીધી છે.

આ ત્રણ મહિલામાં એક સગીર વયની છોકરીનો સમાવેશ થાય છે.

મુંબઈ પોલીસની સામાજિક સેવા શાખાએ અંધેરી (પૂર્વ)ની એક હોટેલ પર દરોડો પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, તે હોટેલમાં સેક્સ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની અમને બાતમી મળી હતી. ત્યાં ત્રણેક મહિલા પાસે બળજબરીથી દેહવ્યવસાય કરાવવામાં આવતો હતો. દરોડો પાડીને અમે એ ત્રણેય મહિલાઓનો છૂટકારો કરાવ્યો છે અને કૌભાંડકારી એક મહિલાને અટકમાં લીધી છે, એનું નામ પ્રિયા શર્મા છે.

પોલીસે એમ પણ કહ્યું કે આરોપી મહિલા કાંદિવલી પૂર્વમાં એક ટુર્સ એન્ડ ટ્રાવેલ એજન્સી ચલાવે છે. બીજી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ એ સંડોવાયેલી છે.

ઉગારી લેવામાં આવેલી મહિલાઓમાંની એક અભિનેત્રી છે અને ગાયિકા છે અને તેણે ટીવી ક્રાઈમ શો ‘સાવધાન ઈન્ડિયા’માં કામ કર્યું હતું.

બીજી મહિલા મરાઠી ફિલ્મ અને સિરિયલોમાં કામ કરી ચૂકી છે.

સગીર વયની છોકરીએ વેબ સિરીઝમાં કામ કર્યું હતું.

આરોપી મહિલા સામે વધુ તપાસ ચાલી રહી છે.