‘યે ઝિંદગી ઉસીકી હૈ… અલવિદા…’
મુંબઈઃ 92 વર્ષની વયે આજે સવારે દેહાવસાન પામેલાં મહાન ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરનાં પાર્થિવ શરીરનાં આજે સાંજે અહીં શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે સંપૂર્ણ રાષ્ટ્રીય-રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાઈ હૃદયનાથ મંગેશકરે લતાજીને અગ્નિદાહ આપ્યો હતો. હવામાં ગોળીબાર કરીને દિવંગત ગાયિકાને સલામી આપવામાં આવી હતી. અંતિમ સંસ્કાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ‘ભારત રત્ન’ સચીન તેંડુલકર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, અભિનેતાઓ શાહરૂખ ખાન, રણબીર કપૂર સહિત વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
લતાજીનો જન્મ 1929ની 28 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં શાસ્ત્રીય ગાયક પંડિત દીનાનાથ મંગેશકર અને સેવંતી મંગેશકરનાં પરિવારમાં થયો હતો. અપરિણિત રહેલાં લતાજીને ત્રણ બહેનો છે – મીના, આશા અને ઉષા તથા ભાઈ હૃદયનાથ. ચારેય ભાઈ-બહેન પણ સિદ્ધિવંત ગાયકો અને સંગીતકાર છે. લતાજીએ એમનું આખરી ગીત 2019માં રેકોર્ડ કરાવ્યું હતું. એ વખતે તેમણે વડા પ્રધાન મોદીના સૂત્ર ‘સૌગંધ મુજે ઈસ મિટ્ટી કી’ પર આધારિત મ્યુઝિક વિડિયોના એક ગીત માટે એમનો સ્વર આપ્યો હતો. તે ગીત દેશના વીર જવાનો તથા પ્રત્યેક ભારતીય નાગરિકને સમર્પિત હતું.
લતા મંગેશકરને 1999માં રાજ્યસભાનાં માનદ્દ સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. પરંતુ એમણે 2006 સુધીની મુદત દરમિયાન પગારનો કે અન્ય ભથ્થાંનો એકેય રૂપિયો લીધો નહોતો કે દિલ્હીમાં ઘર પણ લીધું નહોતું. મહારાષ્ટ્ર સરકારે લતાજીનાં માનમાં 7 ફેબ્રુઆરીના સોમવારે સમગ્ર રાજ્યમાં રજા જાહેર કરી છે.