મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા દર્દીઓની તપાસના અહેવાલ એમને શક્ય એટલી જલદી ઉપલબ્ધ કરાવે. તે ઉપરાંત હોસ્પિટલોમાં દર્દીઓ માટે પથારીઓની વ્યવસ્થા અને ઓક્સિજનની સપ્લાય અને દવાઓની ઉપલબ્ધતા – આ તમામ મુદ્દાઓ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે એવો આદેશ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંબંધિત ખાતાના પ્રધાનો અને અધિકારીઓને આપ્યો છે.
મુંબઈમાં કોરોનાના કેસ ખૂબ વધી ગયા હોવાથી ઠાકરેએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઓનલાઈન બેઠક યોજી હતી જેમાં શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદે, પર્યાવરણ પ્રધાન અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે, રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે, મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ, MMRDAના કમિશનર આર.એ. રાજીવ, આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસ, અતિરિક્ત મહાપાલિકા કમિશનર અશ્વિની ભિડે તતા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મુંબઈમાં લગભગ ગઈ 10 ફેબ્રુઆરીથી કોરોના બીમારીની બીજી લહેર ફેલાઈ છે. શહેરમાં કુલ 153 કોવિડ હોસ્પિટલો છે, જેમાં 20,400 જેટલી પથારીઓ છે.