મહારાષ્ટ્રમાં કરિયાણા, અન્ય દુકાનો માત્ર સવારે 7-11 સુધી જ ખુલ્લી રહેશે

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાનો અતિ જોખમી ફેલાવો થયો હોવાને કારણે મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં કરિયાણાની દુકાનો તથા અન્ય દુકાનોના સમયમાં કાપ મૂકતો ઓર્ડર બહાર પાડ્યો છે. આ દુકાનો માત્ર સવારે 7થી સવારે 11, એમ માત્ર ચાર કલાક માટે જ ખુલ્લી રાખી શકાશે. તેમ છતાં હોમ ડિલીવરી સેવા સવારે 7થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

મહારાષ્ટ્રમાં 1 મેની સવાર સુધી જનતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. નાગરિકોને અગવડ ન પડે એટલા માટે અત્યાવશ્યક સેવાઓની સાથે આવશ્યક સેવાઓને પણ ચાલુ રાખવામાં આવી છે. એમાં દવાની દુકાનો, અન્ય તબીબી સેવા, હોટેલ-રેસ્ટોરન્ટ્સ અને રસ્તાઓ પરના ખાદ્યપદાર્થોના સ્ટોલ્સ, કરિયાણાની દુકાનો, શાકભાજી-ફળોની દુકાનો, દૂધ તથા અન્ય બેકરી ઉત્પાદનોની દુકાનોને ચાલુ રાખવા દેવામાં આવી છે, પરંતુ આવી ચીજવસ્તુઓ લેવા માટે લોકો મોટી સંખ્યામાં બહાર પડતા હોવાથી કર્ફ્યૂ જેવું લાગતું નથી. તેથી આવી દુકાનોના સમય માટે સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે.