નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે મળવા ગયા હતા અને મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ તથા શિક્ષણસંસ્થાઓમાં અનામત પ્રથાનો લાભ આપવા, મુંબઈમાં મેટ્રો રેલવે લાઈનો માટે કાર-શેડ (યાર્ડ) બનાવવા તથા રાજ્યને જીએસટીનું વળતર આપવાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એમની સાથે આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અને અશોક ચવ્હાણ (કોંગ્રેસ) પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેની વડા પ્રધાન મોદી સાથે આ બીજી બેઠક હતી.
મોદી સાથેની મુલાકાત બાદ પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં ઠાકરેએ દેશવાસીઓને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી આપવાની સંપૂર્ણ જવાબદારી કેન્દ્રને માથે લેવાનો નિર્ણય લેવા બદલ ઠાકરેએ પીએમ મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે એમને આશા છે કે રસીકરણ ઝુંબેશમાં જે અવરોધો આવતા હતા તે હવે દૂર થઈ જશે. ઠાકરેએ એમ પણ કહ્યું કે વડા પ્રધાન મોદીએ અમારા મુદ્દાઓને ધ્યાનથી સાંભળ્યા હતા.